ગ્રીનલૅન્ડ તો જોઈએ જ છે, પણ એ માટે મારા પાવરનો ઉપયોગ નહીં કરું, ડેન્માર્ક એહસાન ફરામોશ છે, યુરોપ શું બરફનો એક ટુકડો ન આપી શકે?
ડોનલ્ડ ટ્રમ્પ
સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં અમેરિકાના પ્રેસિડન્ટે ફરીથી દોહરાવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગ્રીનલૅન્ડ પર કબજો કરવાના પોતાના પ્લાનને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના પોતાના સંબોધનમાં પણ સાચો ઠેરવવાની કોશિશ કરી હતી. ૪૫ મિનિટને બદલે ૭૫ મિનિટનું ભાષણ આપ્યું હતું. એમાં મુખ્ય મુદ્દો હરીફરીને ગ્રીનલૅન્ડની આસપાસ જ ફરતો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ગ્રીનલૅન્ડની સુરક્ષા અમેરિકા સિવાય કોઈ દેશ નહીં કરી શકે. બીજા વિશ્વયુદ્ધમાં ડેન્માર્ક માત્ર ૬ કલાકમાં જર્મનીથી હારી ગયું હતું. એ વખતે ડેન્માર્ક ન તો પોતાની રક્ષા કરી શક્યું હતું કે ગ્રીનલૅન્ડની. એ પછી અમેરિકાએ મજબૂરીમાં આગળ આવીને ગ્રીનલૅન્ડની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડી હતી. એ સમયે અમેરિકાએ ગ્રીનલૅન્ડ પોતાની પાસે રાખવાને બદલે ડેન્માર્કને પાછું આપી દીધું. આ નિર્ણય બહુ મોટી ભૂલ હતી. ડેન્માર્ક એ એહસાન ભૂલી ગયું લાગે છે.’
ADVERTISEMENT
જોકે તેમણે પહેલી વાર ભારપૂર્વક કહ્યું હતું કે ગ્રીનલૅન્ડ તો અમેરિકાનું જ છે, પણ એને હાંસલ કરવા માટે હું મારા પાવરનો ઉપયોગ નહીં કરું.
ટ્રમ્પે ફરિયાદ કરતાં હોય એવા સૂરે કહ્યું હતું કે ‘અમે બરફનો એક ટુકડો જ માગીએ છીએ, શું યુરોપ એ ન આપી શકે? અમેરિકા આ હંમેશાં યાદ રાખશે. યુરોપ બહુ ખોટી દિશામાં જઈ રહ્યું છે.’
ડોનલ્ડ ટ્રમ્પના ઍરફૉર્સ વન વિમાનમાં ગરબડ થતાં માર્યો યુ-ટર્ન, બીજા પ્લેનમાં દાવોસ પહોંચ્યા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપવા માટે સ્વિટ્ઝરલૅન્ડના દાવોસ જઈ રહ્યા હતા ત્યારે ઍરફોર્સ વન (AF1)ને ઇલેક્ટ્રિકલ સમસ્યાનો સામનો નડતાં પાછા વળવું પડ્યું હતું. ફ્લાઇટ ટ્રૅકરના ડેટાએ દર્શાવ્યું હતું કે ઍરફોર્સ વને યુ-ટર્ન લીધો હતો અને એ વિમાન વૉશિંગ્ટન તરફ પાછું ફર્યું હતું. એક ટીવી-ચૅનલે જણાવ્યું હતું કે ‘વિમાનમાં નાની ઇલેક્ટ્રિકલ સમસ્યા ઊભી થતાં વિમાનને પાછું વાળી દેવામાં આવ્યું હતું અને ટ્રમ્પ હવે અલગ ફ્લાઇટમાં દાવોસ જાય એવી અપેક્ષા છે. ટેકઑફ પછી AF1 ક્રૂને નાની ઇલેક્ટ્રિકલ સમસ્યા મળી આવી હતી. ખૂબ જ સાવધાની રાખીને AF1 જૉઇન્ટ બેઝ ઍન્ડ્રુઝ પાછું ફર્યું હતું.’
ડોનલ્ડ ટ્રમ્પે લગભગ દરેક દેશ માટે ટિપ્પણીઓ કરી હતી
કૅનેડા ઃ કૅનેડાને અમેરિકા પાસેથી બહુબધું મફતમાં મળી રહ્યું છે. એ માટે તેમણે અમેરિકાના આભારી રહેવું જોઈએ, પણ તેઓ નથી. કૅનેડા અત્યારે અમેરિકાના કારણે ટકી શક્યું છે. કૅનેડાના વડા પ્રધાન હવે નિવેદનો આપતી વખતે આ વાત યાદ રાખે.
વેનેઝુએલા ઃ અમેરિકાની ઍક્શન પછી આ દેશ બહુ જલદીથી ખૂબબધા પૈસા બનાવશે. અમેરિકા મોટી તેલ કંપનીઓ વેનેઝુએલામાં લાવશે અને બન્ને દેશો મળીને તેલથી થનારી કમાણી પરસ્પર શૅર કરશે.
યુરોપ ઃ એના ઘણા હિસ્સાઓ પહેલાં જેવા નથી રહ્યા. એમની ઓળખ હવે મુશ્કેલ થઈ ગઈ છે. યુરોપે અમેરિકા જેવા બનવાની જરૂર છે. યુરોપની ઇમિગ્રેશન પૉલિસી અને આર્થિક નીતિઓ નાકામ થઈ ગઈ છે. યુરોપે એ જ કરવું જોઈએ જે અમેરિકા કરી રહ્યું છે.
NATO ઃ મને શંકા છે કે જરૂર પડશે ત્યારે NATO અમેરિકાની મદદ કરશે કે નહીં. અમેરિકા હંમેશાં સહયોગી દેશોની સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે, પણ મને વિશ્વાસ નથી કે સહયોગી દેશો અમેરિકા સાથે ઊભા રહેશે કે કેમ?
૦ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની જવાબદારી યુરોપની છે. અમેરિકા તો યુક્રેનથી બહુ દૂર છે. અમેરિકાએ યુદ્ધ ખતમ કરવા માટે બહુ કામો કર્યાં છે અને એ માટે ભારે નુકસાન વેઠ્યું છે.
બહુ જલદી થશે ભારત-અમેરિકા વેપાર-ડીલ
ભાષણ પછી ટ્રમ્પે ભારતીય મીડિયા સાથે વાત કરતાં ભારતના વડા પ્રધાનની તારીફ કરીને નરેન્દ્ર મોદીને પોતાના દોસ્ત ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે બહુ જલદીથી એક સારો વેપાર-કરાર થવાનો છે.


