વધારાની પચાસ ટકાની ટૅરિફની ધમકીથી અમે ડરતા નથી, લડી લઈશું એવું ચીને કહ્યું એ પછી ડોનલ્ડ ટ્રમ્પે બોલેલું પાળી બતાવ્યું
ડોનલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ચેતવણી અને એના જવાબમાં ચીને કરેલા હુંકાર બાદ વાઇટ હાઉસે ચીન પર ૧૦૪ ટકા ટૅરિફ લગાડવાની પુષ્ટિ કરી છે. ચીન પર નવી વધેલી ટૅરિફ આજથી (નવમી એપ્રિલ) લાગુ થયેલી ગણાશે.
ફૉક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર વાઇટ હાઉસના પ્રેસ-સચિવે કહ્યું છે કે ચીને પોતાની જવાબી કાર્યવાહી પાછી નથી લીધી એટલા માટે વધારાની ૧૦૪ ટકા ટૅરિફ લાગુ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે આ પગલું ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર ૩૪ ટકા વધારાની ટૅરિફ લગાવી એ બાદ લીધું છે. ટ્રમ્પે પહેલાં જ ચેતવણી આપી હતી કે જો ચીન આઠમી એપ્રિલ સુધીમાં ટૅરિફ નહીં હટાવે તો એના પર ૫૦ ટકા વધારે ટૅરિફ લગાડવામાં આવશે.
અમને ધમકી આપીને અમેરિકાએ એક ભૂલ પછી વધારાની બીજી ભૂલ કરી દીધી, છેલ્લે સુધી લડી લઈશું
ડોનલ્ડ ટ્રમ્પની ધમકીથી ચીન ડર્યું નહીં, કહ્યું...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાની પચાસ ટકાની ટૅરિફની ધમકી આપી એની સામે ચીન છાતી કાઢીને ઊભું રહી ગયું છે અને કહ્યું છે કે અમેરિકાએ વધારાની ટૅરિફની ધમકી આપીને મોટી ભૂલ કરી છે, અમે છેલ્લે સુધી લડી લઈશું; અમે અમેરિકાની આવી ધમકી કે દબાણથી ડરવાના નથી.
ચીનની કૉમર્સ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટની ટૅરિફ વધારવાની ધમકીનો અમે દૃઢતાથી વિરોધ કરીએ છીએ અને અમે અમારા અધિકારો અને હિતોની રક્ષા કરવા માટે યોગ્ય પગલાં ઉઠાવવાના છીએ.
ચીન પર કેટલી ટૅરિફ?
ચીન પર અમેરિકાએ ફેબ્રુઆરી મહિનામાં વીસ ટકા ટૅરિફ લગાવી હતી. ત્યાર બાદ બીજી એપ્રિલે વધારાની ૩૪ ટકા ટૅરિફની જાહેરાત કરી હતી. આમ કુલ ૫૪ ટકા ટૅરિફ લગાવવામાં આવી છે. એના જવાબમાં ગયા શુક્રવારે ચીને અમેરિકાથી આયાત થતી ચીજો પર ૩૪ ટકા ટૅરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટૅરિફ ૧૦ એપ્રિલથી લાગુ થશે. ડોનલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો બીજિંગ અમેરિકન ઉત્પાદનો પર લગાવેલી ૩૪ ટકા ટૅરિફ પાછી નહીં ખેંચી લે તો બુધવારથી અમેરિકા ચીનથી આયાત થનારી ચીજો પર વધારાની પચાસ ટકા ટૅરિફ લગાવી દેશે. જો અમેરિકા એના વલણ પર વળગી રહે તો આજથી ચીન પર ૧૦૪ ટકા ટૅરિફની શરૂઆત થઈ શકે છે. આમ વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ ટૅરિફના મુદ્દે સામસામે આવી ગઈ છે.
ધમકીને ગણાવી ભૂલ
ચીનની કૉમર્સ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે ચીન પર ટૅરિફ વધારવાની ધમકી આપીને અમેરિકાએ પહેલાં કરેલી એક ભૂલ બાદ વધારાની બીજી ભૂલ કરી છે, અમે એ સાંખી નહીં લઈએ; જો અમેરિકા એના વલણ પર કાયમ રહેશે તો ચીન છેલ્લે સુધી લડી લેશે, આ અમેરિકાના બ્લૅકમેઇલિંગ કરવાના સ્વભાવની ઓળખ છે.
ચીનમાં હૉલીવુડની ફિલ્મો પર પ્રતિબંધ આવશે
ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફની ધમકીના વિરોધમાં ચીન હૉલીવુડની ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે.
૨૭ દેશોના યુરોપિયન યુનિયને અમેરિકા પર પચીસ ટકા જવાબી ટૅરિફ લગાડવાની કરી તૈયારી
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ જાહેરાત બાદથી ટૅરિફ-વૉર શરૂ થઈ ચૂકી છે. વિશ્વના કેટલાક દેશોએ અમેરિકા પર જવાબી ટૅરિફ લગાવી છે ત્યારે હવે ૨૭ દેશોના ગ્રુપ એટલે કે યુરોપિયન યુનિયન (EU)એ પણ ટ્રમ્પને ઝટકો આપવા માટે તૈયારી કરી લીધી છે. EUએ સોમવારે કેટલીક અમેરિકન વસ્તુઓ પર પચીસ ટકા ટૅરિફ લગાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં હીરા, ઈંડાં, ડેન્ટલ ફ્લોસ, પૉલ્ટ્રી સહિત અનેક વસ્તુઓ સામેલ છે. કેટલીક વસ્તુઓ પર ટૅરિફ ૧૬ મેથી અમલમાં આવશે.

