બન્ને દેશના વડાઓએ અમેરિકન પ્રેસિડન્ટને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની હિમાયત કરી
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે કરાવ્યા શાંતિકરાર
અમેરિકાના પ્રેસિડન્ટના સત્તાવાર નિવાસસ્થાન વાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થી હેઠળ શાંતિકરારની જાહેરાત કરી હતી. આ કરારથી બન્ને દેશો વચ્ચે દાયકાઓથી ચાલી આવતી દુશ્મનાવટનો અંત આવ્યો હતો. શાંતિકરાર પર હસ્તાક્ષર માટેના આ સમારોહમાં ટ્રમ્પ સાથે અઝરબૈજાનના પ્રેસિડન્ટ ઇલ્હામ અલીયેવ અને આર્મેનિયન વડા પ્રધાન નિકોલ પશિન્યાન ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ કરાર રશિયાના વ્યૂહાત્મક ક્ષેત્રમાં અમેરિકાના પ્રભાવને દર્શાવવા માટે મહત્ત્વના છે.
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે લગભગ ૩૫ વર્ષથી તેઓ લડી રહ્યા છે, પણ હવે તેઓ મિત્રો છે અને તેઓ લાંબા સમય સુધી મિત્રો રહેશે. બન્ને દેશે લડાઈ બંધ કરવા, રાજદ્વારી સંબંધો ખોલવા અને એકબીજાની પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમેરિકાએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સહિત ઊર્જા, વેપાર અને ટેક્નૉલૉજી પર સહયોગ વધારવા માટે દરેક દેશ સાથે અલગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ADVERTISEMENT
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ૧૯૮૦ના દાયકાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અઝરબૈજાનના પ્રેસિડન્ટ અલીયેવે કહ્યું હતું કે ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કારને લાયક છે. અઝરબૈજાન અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ પરના પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે.
૧૫ આૅગસ્ટે અલાસ્કામાં મળશે ટ્રમ્પ અને પુતિન, રશિયા-યુક્રેન વચ્ચે શાંતિકરારની શક્યતા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ આગામી શુક્રવારે ૧૫ ઑગસ્ટે અલાસ્કામાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળશે. આ બેઠકમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિકરાર કરવાના પ્રયાસો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. આ મુદ્દે ટ્રમ્પે તેમના સોશ્યલ અકાઉન્ટ પર વિગતો જાહેર કરતાં લખ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે મારી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે આગામી શુક્રવારે ૧૫ ઑગસ્ટે અલાસ્કામાં મુલાકાત થવાની છે.


