ચીને ભારત પાસેથી બ્રિક્સનું પ્રમુખપદ મેળવ્યું: વેસ્ટ એશિયામાં યુદ્ધ સામે શી જિનપિંગની ચેતવણી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
દિલ્હીમાં યોજાયેલા અઢારમા બ્રિક્સ શિખર સંમેલન વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત પાસેથી વારાફરતી મળતું પ્રમુખપદ સંભાળ્યું હતું. હવે ચીન ૨૦૨૭માં ઓગણીસમા બ્રિક્સ શિખર સંમેલનનું યજમાનપદ સંભાળશે. ૭ વર્ષમાં જિનપિંગની ભારતની આ પ્રથમ મુલાકાત હતી. ૨૦૨૦માં ગલવાનમાં થયેલી અથડામણ પછી પણ આ તેમની પ્રથમ મુલાકાત હતી. પોતાના સંબોધનમાં તેમણે મધ્યપૂર્વના યુદ્ધને કારણે થતા નુકસાન વિશે ચેતવણી આપી હતી.
પશ્ચિમ એશિયા અને ગલ્ફ ક્ષેત્રની પરિસ્થિતિમાં સતત બદલાવ આવી રહ્યો છે ત્યારે શી જિનપિંગે કહ્યું હતું કે ‘પશ્ચિમ એશિયા અને ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધને કારણે લોકોને ભારે નુકસાન થયું છે અને એ આંતરરાષ્ટ્રીય સમુદાયનાં સામૂહિક હિતોને અનુરૂપ નથી. ચીન આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવામાં યોગદાન આપવા માટે અન્ય બ્રિક્સ સભ્યો સાથે મળીને કામ કરવા તૈયાર છે.’
ADVERTISEMENT
શી જિનપિંગે આ સમૂહને ઊભરતાં બજારો અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ માટે વિશ્વનો સૌથી પ્રભાવશાળી મંચ ગણાવ્યો હતો.
