સરકારી અધિકારીના ઘરેથી ટનબંધ સોનું અને રોકડ રકમ મળ્યાં
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં હૈનાન પ્રાંતની રાજધાની હૈકોઉના ભૂતપૂર્વ મેયર સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ચીનની એક અદાલતે ભ્રષ્ટાચાર માટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ અધિકારીના ઘરમાંથી ગેરકાયદે સંપત્તિ મળી આવી હતી, જેમાં ૧૩.૫ ટન સોનું અને ૨૩ ટન રોકડ રકમનો સમાવેશ છે. ટનબંધ સોનાના જથ્થા ઉપરાંત રોકડ રકમના વિડિયો પણ વિશ્વભરમાં વાઇરલ થયા છે. તેમની પાસે ચીન અને વિદેશમાં લક્ઝરી રિયલ એસ્ટેટ અને મોંઘી કારનો સંગ્રહ પણ છે. સત્તાવાર રીતે પુષ્ટિ મળી છે કે અબજો ડૉલરની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
ચીનના મીડિયા અને કોર્ટના રેકૉર્ડ્સે પુષ્ટિ આપી છે કે ભૂતપૂર્વ મેયરને લાંચ, સત્તાનો દુરુપયોગ અને જાહેર ભંડોળની ઉચાપત માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેમણે ઘણાં વર્ષોથી ગેરકાયદે રીતે પોતાને સમૃદ્ધ બનાવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
આ અધિકારીએ સરકારી કૉન્ટ્રૅક્ટ આપવા, જમીનના સોદા મંજૂર કરવા અને બિઝનેસ હાઉસો અને બિલ્ડરોની તરફેણ કરવા માટે લાંચ સ્વીકારી હતી. આ ભ્રષ્ટાચાર ૨૦૦૯ અને ૨૦૧૯ની વચ્ચે થયો હોવાનું કહેવાય છે. એ સમયગાળા દરમ્યાન મોટાં બાંધકામ થયાં હતાં.
ચીને એક દાયકાથી વધુ સમયથી ભ્રષ્ટાચારવિરોધી આક્રમક ઝુંબેશ ચલાવી છે. સેંકડો વરિષ્ઠ અધિકારીઓને સજા કરવામાં આવી છે; જેમાં પ્રધાનો, લશ્કરી અધિકારીઓ અને પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે.


