કોરોનાની ભવિષ્યવાણી કરનારા બ્રાઝિલના બાબા કહે છે...
નૉસ્ટ્રડામસ
સોળમી સદીના ફ્રેન્ચ ઍસ્ટ્રોલૉજર નૉસ્ટ્રડામસને આજે પણ લોકો તેમની આગાહીઓ માટે યાદ કરે છે. નૉસ્ટ્રડામસે તેમની બુક ‘ધ પ્રોફેસિસ’માં કરેલી ૧૦૦૦ ભવિષ્યવાણીઓમાંથી ફ્રેન્ચ રેવલ્યુશન, વિશ્વયુદ્ધ, મહામારી જેવી ઘણીબધી વાતો સાચી પડી હોવાનું કહેવાય છે. હમણાં-હમણાં આવી જ ચોંકાવનારી આગાહીઓને કારણે બ્રાઝિલના એક બાબા ‘લીવિંગ નૉસ્ટ્રડામસ’ તરીકે ફેમસ થઈ ગયા છે. બ્રાઝિલના ઍથોસ સલોમી નામના આ ભાઈએ ૨૦૨૬ માટે કરેલી ભવિષ્યવાણીએ ઘણા લોકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે અગાઉ કોરોના મહામારી અને ૨૦૨૨માં રાણી એલિઝાબેથ બીજાનાં મૃત્યુની આગાહી પછી આખા વિશ્વનું ધ્યાન તેમના તરફ ગયું હતું.
૨૦૨૬ માટે ૩૯ વર્ષના આ બાબાએ એવી ચેતવણી આપી છે કે આ વર્ષ પણ અંત વગરનાં યુદ્ધો, ક્લાઇમેટ-ચેન્જના પડકારો અને વૈશ્વિક અસ્થિરતાથી જ ભરેલું હશે એટલે કોઈ રાહતની અપેક્ષા રાખતા નહીં. ઍથોસભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે ‘કોઈ જીતશે નહીં, પણ યુદ્ધો ચાલુ રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધ હજી પૂરું થયું નથી અને આ ચોથા વર્ષમાં પણ પૂરું થવાનું નામ લે એમ લાગતું નથી. આપત્તિઓનો પાર નહીં રહે અને ક્લાઇમેટ-ચેન્જ બળતામાં ઘી હોમશે. ઈસ્ટર્ન વર્લ્ડમાં ચીન તાઇવાન પર ડોળા નાખીને રાહ જોઈને જ બેઠું છે. ચીનની સેના બસ એક લીલી ઝંડીની જ રાહ જોઈ રહી છે અને અમેરિકા દ્વારા તાઇવાનને મદદ પૂરી પાડવી એ તરફ ઇશારો કરે છે કે અહીં પણ નવું યુદ્ધ ફાટી નીકળી તો આશ્ચર્ય ન પામવું. વિશ્વના બીજા પ્રદેશોમાં પણ અરાજકતા વધતી જવાની છે. સાઇબર-યુદ્ધ પણ વધુ તીવ્ર બનશે અને ભૂતકાળ કરતાં મોટા સાઇબર-અટૅક ૨૦૨૬માં જોવા મળે તો નવાઈ નહીં.’ ઍથોસે પર્યાવરણની સમસ્યા અને પ્રાકૃતિક આપત્તિઓને ૨૦૨૬ના વર્ષના સૌથી મોટા પડકાર ગણાવીને યુરોપના દેશોને ગયા વર્ષે કમકમાવી ગયેલી હીટ-વેવ્સને આ વર્ષે બમણા વેગે ઝીલવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. જોકે ચોમેર અંધકાર વચ્ચે ઍથોસને આશાનું એક કિરણ મેડિકલ સાયન્સમાં દેખાય છે, જ્યાંથી ઍડ્વાન્સ રિસર્ચને લીધે સારા સમાચાર આવી શકે છે અને અનેક રોગોનો ઇલાજ સહેલો બની શકે છે.


