Baluchistan asks support from India: બલૂચ અમેરિકન કોંગ્રેસના પ્રમુખ અને બલૂચિસ્તાન સરકારના ભૂતપૂર્વ મંત્રી તારા ચંદ બલોચે બલૂચિસ્તાનના મુદ્દા પર ભારત પાસેથી સમર્થન માગ્યું છે. તારા ચંદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું કે...
PM નરેન્દ્ર મોદી અને તારા ચંદ (ફાઇલ તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
બલૂચ અમેરિકન કૉંગ્રેસના પ્રમુખ અને બલૂચિસ્તાન સરકારના ભૂતપૂર્વ મંત્રી તારા ચંદ બલોચે બલૂચિસ્તાનના મુદ્દા પર ભારત પાસેથી સમર્થન માગ્યું છે. તારા ચંદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતને પાકિસ્તાન સરકાર અને સેના સામેની લડાઈમાં બલૂચ લોકોને નૈતિક, રાજકીય અને રાજદ્વારી સમર્થન આપવા વિનંતી કરી છે. બલુચિસ્તાનમાં વિવિધ જૂથો લાંબા સમયથી પાકિસ્તાન સામે સશસ્ત્ર અને અહિંસક બંને રીતે લડી રહ્યા છે. હવે તારા ચંદે આ લડાઈમાં ખુલ્લેઆમ ભારતનો ટેકો માગ્યો છે.
બલુચિસ્તાનને ટેકો આપવાની તારા ચંદની આ અપીલ બલુચ અમેરિકન કૉંગ્રેસ તરફથી ઔપચારિક પત્ર દ્વારા દિલ્હી સ્થિત વડા પ્રધાન કાર્યાલયને મોકલવામાં આવી છે. પત્રમાં તારા ચંદે બલુચિસ્તાન મુદ્દા પર ધ્યાન આપવા બદલ ભારતનો આભાર માન્યો છે. ખાસ કરીને લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીના ભાષણને તારા ચંદ બલૂચના લોકોમાં આશાના કિરણ તરીકે જુએ છે. તેમણે કહ્યું કે આનાથી વિશ્વભરના બલૂચોમાં આશા જાગી છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય મંચ પર અમારો મુદ્દો ઉઠાવો
તારા ચંદે કહ્યું છે કે બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવા માગતો નહતો. 1948માં અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ, બલુચિસ્તાનને બળજબરીથી પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યું. આ પાકિસ્તાની સેનાના ક્રૂર કબજાની શરૂઆત હતી, જે આજે પણ ચાલુ છે. તારા ચંદ બલોચે પાકિસ્તાન સરકાર પર બલોચ પર અત્યાચારનો આરોપ લગાવ્યો છે અને ભારતને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા વિનંતી કરી છે.
પકિસ્તાની સેના બલૂચ રાષ્ટ્રીય મુક્તિ ચળવળને દબાવી રહી છે
તારા ચંદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેના ક્રૂર અભિયાન ચલાવીને બલૂચ રાષ્ટ્રીય મુક્તિ ચળવળને દબાવી રહી છે. તેમણે બલુચિસ્તાનમાં ચીનની સંડોવણીને બીજો મોટો ભૂ-રાજકીય ખતરો ગણાવ્યો. બલૂચ રાષ્ટ્રીય મુક્તિ ચળવળને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ન મળવા પર નિરાશા વ્યક્ત કરતા તારા ચંદે કહ્યું કે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના અત્યાચારો વિશે દુનિયાને બહુ ઓછી જાણકારી છે.
સિંધુ જળ સંધિ પર ભારતનું વલણ સાચું છે
તારા ચંદે દલીલ કરી હતી કે સ્વતંત્ર અને સહકારી બલુચિસ્તાનથી ભારતના શાંતિપ્રિય લોકોને ફાયદો થશે. તેમણે ભારતને 21મી સદીમાં બલુચિસ્તાનને એક મહત્વપૂર્ણ ભૂ-રાજકીય વિસ્તાર તરીકે માન્યતા આપવા વિનંતી કરી. તારા ચંદે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના પીએમ મોદીના નિર્ણયની પ્રશંસા કરી છે અને તેને એક સાહસિક પગલું ગણાવ્યું છે.
બલોચ અમેરિકન કૉંગ્રેસ (BAC) એક નોંધાયેલ રાજકીય સંસ્થા છે. આ સંગઠન સ્વ-નિર્ણયના અધિકાર માટે બલૂચ રાષ્ટ્રીય સંઘર્ષની હિમાયત કરે છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં બલૂચ ડાયસ્પોરાના સામાજિક અને રાજકીય અધિકારોનું રક્ષણ કરે છે. BAC એ સતત ભારતને બલુચિસ્તાન પર સ્પષ્ટ વલણ અપનાવવા હાકલ કરી છે.


