બલૂચ નેતા રઝાક બલૂચનો વિસ્ફોટક દાવો
બલૂચ નેતા રઝાક બલૂચ
બલૂચ નેતા રઝાક બલૂચે એક વિસ્ફોટક દાવો કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ બલૂચિસ્તાનના ૮૦ ટકાથી વધુ ભાગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. એક ટીવી-ચૅનલ સાથેની મુલાકાતમાં બલૂચ અમેરિકન કૉન્ગ્રેસના સેક્રેટરી જનરલ રઝાક બલૂચે દાવો કર્યો હતો કે ‘પાકિસ્તાની દળો સાંજ પછી ક્વેટા છોડતાં ડરે છે. ચૂંટાયેલા પાકિસ્તાની અધિકારીઓએ પણ આ પરિસ્થિતિ સ્વીકારી છે અને સુરક્ષાના ડરને કારણે લશ્કર સાંજે પાંચ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી પૅટ્રોલિંગ કરવાનું ટાળે છે. બંગલાદેશ જેવી પરિસ્થિતિ બનવાની રાહ જોવા કરતાં પાકિસ્તાને સમયસર ગૌરવ સાથે બલૂચિસ્તાનમાંથી પાછા હટી જવું જોઈએ.’
આ મુદ્દે વધુમાં બોલતાં રઝાક બલૂચે કહ્યું હતું કે ‘પાકિસ્તાને ૭૦થી ૮૦ ટકા વિસ્તાર પર નિયંત્રણ ગુમાવી દીધું છે અને અમે ભારત અને અમેરિકાને બલૂચ સંઘર્ષને ટેકો આપવા વિનંતી કરી છે. જો ભારત અમને ટેકો આપે છે તો અમારા દરવાજા ખૂલી જશે.’


