Bali Flights Updates: ઇન્ડોનેશિયામાં માઉન્ટ લેવાટોબી લાકી લાકી જ્વાળામુખી ફાટ્યો, આકાશમાં ૧૦ કિમી સુધી ફેલાઈ ગઈ રાખ; બાલી જતી ઘણી ફ્લાઇટ્સ રદ
ફાઇલ તસવીર
બુધવારે પૂર્વી ઇન્ડોનેશિયા (Indonesia)માં એક શક્તિશાળી જ્વાળામુખી ફાટવાના કારણે બાલી (Bali) જતી ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ (Bali Flights Updates) કરવાની ફરજ પડી હતી. ઘણી ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવી પડી હતી, જેના કારણે મુસાફરોને ઘણી અસુવિધા થઈ હતી.
પૂર્વ નુસા તેંગારા (East Nusa Tenggara) પ્રાંતમાં ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખીમાંના એક, માઉન્ટ લેવાટોબી લાકી લાકી (Mount Lewotobi Laki Laki) મંગળવારે સાંજે ફાટી નીકળ્યો, જેના કારણે રાખનો વિશાળ ગોળો આકાશમાં ૧૦,૦૦૦ મીટર લગભગ ૩૨,૮૦૦ ફૂટથી વધુ ઉંચો ગયો અને તેને લગભગ ૧૫૦ કિમી દૂરથી પણ જોઈ શકાય છે. બુધવારે સવારે, ફરીથી 1 કિમી ઊંચો રાખનો વાદળ નીકળ્યો. જેના કારણે બાલી જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી.
ADVERTISEMENT
જ્વાળામુખી ફાટવાની માહિતી મળ્યા બાદ દિલ્હી (Delhi)થી બાલી (Air India flight enrooted to Bali returns to Delhi) જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145 ને દિલ્હી પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ફ્લાઇટને બાદમાં દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. ફ્લાઇટ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (Indira Gandhi International - IGI) એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
ઍર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે, બુધવારે ૧૮ જૂનના રોજ દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145ને જ્વાળામુખી ફાટવાની (Volcano Eruption in Indonesia) માહિતી મળ્યા બાદ દિલ્હી પરત ઉતારવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે.
ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. અમે અસરગ્રસ્ત મુસાફરોની હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો, તેઓ ટિકિટ રદ કરવા, મુસાફરી બદલવા અથવા રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે.’
જોકે, જ્વાળામુખી ફાટવાની ઘટનાથી સાવચેતીના ભાગ રૂપે, ઘણી એરલાઇન્સે બાલીના ન્ગુરાહ રાય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Ngurah Rai International Airport) પર કામગીરી સ્થગિત કરી દીધી હતી. વર્જિન ઓસ્ટ્રેલિયા (Virgin Australia), જેટસ્ટાર (Jetstar), એર ન્યુઝીલેન્ડ (Air New Zealand), સિંગાપોરની ટાઇગરએર (Singapore`s Tigerair), ચીનની જુન્યાઓ એરલાઇન્સ (China`s Juneyao Airlines) અને ઍર ઇન્ડિયા સહિતની ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરી હતી અથવા તેમના રૂટ બદલ્યા હતા.
નોંધનીય છે કે, ઍર ઇન્ડિયાની અનેક ફ્લાઇટો છેલ્લા ઘણા સમયથી રદ થઈ રહી છે તેને કારણે મુસાફરો સવાલ કરી રહ્યાં છે. અગાઉ, ઍર ઇન્ડિયાની ૭ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદથી લંડન (Ahmedabad to London), દિલ્હીથી પેરિસ (Delhi to Paris), દિલ્હીથી વિયેના (Delhi to Vienna), લંડનથી અમૃતસર (London to Amritsar), દિલ્હીથી દુબઈ (Delhi to Dubai), બેંગલુરુથી લંડન (Bengaluru to London) અને સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ (San Francisco to Mumbai) ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

