હમાસે બંધક બનાવીને છોડેલી ઇઝરાયલી યુવતીએ એક વર્ષ બાદ કર્યા એન્ગેજમેન્ટ
મિયા શેન
૨૦૨૩ની ૭ ઑક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયલ પર હુમલો કરીને બંધક બનાવેલી અને ૫૪ દિવસ બાદ છોડી મૂકેલી ઇઝરાયલી યુવતી મિયા શેને છૂટ્યાના બરાબર એક વર્ષ બાદ ૨૮ નવેમ્બરે તેના બાળપણના મિત્ર ૨૪ વર્ષના યિનોન હસન સાથે એન્ગેજમેન્ટ કર્યા હતા. એની તસવીરો ઇઝરાયલે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. ઇઝરાયલના લોકોએ પણ મિયાને બહાદુર યુવતી ગણાવી છે. તને પણ દુનિયાની ખુશીઓ મળવી જોઈએ, એ માટે તું હકદાર છે એમ તેમણે જણાવ્યું છે. હમાસે કરેલા હુમલામાં મિયાના હાથમાં ગોળી વાગી હતી અને હમાસે તેના પર ઑપરેશન કરાવ્યું હતું. હમાસે પ્રૉપગૅન્ડા વિડિયો તૈયાર કર્યા હતા એમાં તેને સારી સારવાર આપી હોવાનો તેણે ઉલ્લેખ કર્યો હતો. તેને એક પાંજરામાં પૂરી રાખવામાં આવી હતી. પહેલી વાર થોડા બંધક છોડવામાં આવ્યા એમાં મિયાનો સમાવેશ થતો હતો. જોકે છૂટ્યા બાદ તેણે નૉર્મલ જીવન શરૂ કર્યું હતું અને મૉડલ તરીકે તેણે વેડિંગ ડ્રેસ પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. હવે તેણે પોતાના જીવનનું ધ્યેય બંધકોને છોડાવવાનું બનાવી દીધું છે. તેણે કહ્યું હતું કે ‘હું બંધકોનો અવાજ બનીશ, કારણ કે આ તક મને મળી છે. હજી ઘણી યુવતીઓ બંધક છે.’