ઝેરી ધુમાડાથી ગૂંગળાઈને બાળકો સહિત ૨૩ જણે જીવ ગુમાવ્યા
આગનું કારણ જાણવા મળ્યું નથી
મેક્સિકોના નૉર્થવેસ્ટમાં આવેલા સોનોરાના હર્મોસિલોમાં ‘ડે ઑફ ધ ડેડ’ ઉજવણીના સપ્તાહના અંતે વાલ્ડોના ડિસ્કાઉન્ટ સ્ટોરમાં એક વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હતી જેમાં નાનાં બાળકો સહિત ઓછામાં ઓછા ૨૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો ઝેરી ધુમાડો શ્વાસમાં લેવાથી મૃત્યુ પામ્યા હતા. આગનું કારણ જાણવા મળ્યું નથી, પણ ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફૉર્મરને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાથી આખા દેશમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રેસિડન્ટ ક્લાઉડિયા શેનબૌમે સંવેદના વ્યક્ત કરી હતી અને બચી ગયેલા લોકો અને શોકગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે કટોકટીની ટીમો મોકલી આપી હતી.
શનિવારે બપોરે બે વાગ્યાની આસપાસ ડિસ્કાઉન્ટ સ્ટોરમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. એનાથી ભીષણ આગ લાગી હતી જેણે આખા બિલ્ડિંગને લપેટમાં લીધું હતું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સ્ટોરનો કાચ ફૂટી ગયો હતો અને આગળનો ભાગ કાળો થઈ ગયો.


