૯ લાખ ઘરોમાં પાણી ભરાતાં બત્તી ગુલ, બેનાં મોત
તોફાન યુરોપના પૂર્વના દેશો તરફ આગળ વધી રહ્યું છે
યુરોપના સૌથી શક્તિશાળી દેશ ફ્રાન્સ આજકાલ નિલ્સ નામના તોફાનને કારણે ભારે તબાહીનો ભોગ બન્યું છે. તોફાન પછી ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ પડતાં દક્ષિણ ફ્રાન્સ જળબંબાકાર થઈ ગયું છે. ગરોન નામની નદીમાં પૂર આવતાં આસપાસના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં કેડ સમાણાં પાણી ભરાઈ ગયાં છે. પૂરને કારણે ૯ લાખથી વધુ ઘરોમાં અનિશ્ચિત સમય માટે બત્તી ગુલ થઈ ગઈ હતી. ૩૦૦૦થી વધુ કર્મચારીઓ રાહતકાર્યમાં જોડાયા હતા. હવે તોફાન યુરોપના પૂર્વના દેશો તરફ આગળ વધી રહ્યું છે. શુક્રવારે મોડી સાંજ સુધીમાં લગભગ અડધાં જેટલાં ઘરોમાં વીજળી પાછી આવી ગઈ હતી. તોફાન ફ્રાન્સ પરથી પસાર થઈ ગયું હોવા છતાં હજી વરસાદને કારણે આવનારી તબાહીની રેડ અલર્ટ જાહેર થઈ છે. રવિવારની સવાર સુધી હજી વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે.


