Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધીરુબહેન, વિસામાનો વડલો

ધીરુબહેન, વિસામાનો વડલો

Published : 11 March, 2023 12:00 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધીરુબહેનને પહેલાં ક્યારે મળી એ યાદ કરવા મથું છું. ૧૯૬૮ની આસપાસનો સમય. ધીરુબહેન જન્મભૂમિ ગ્રુપનાં ‘સુધા’ મહિલા સાપ્તાહિકનાં તંત્રી. બહેનોને સામેથી બોલાવે. હાથમાં કલમ પકડાવે.

ધીરૂબહેન પટેલ સાથે વર્ષાબહેન અડાલજા.

સ્મરણાંજલિ

ધીરૂબહેન પટેલ સાથે વર્ષાબહેન અડાલજા.


ધીરુબહેનને પહેલાં ક્યારે મળી એ યાદ કરવા મથું છું. ૧૯૬૮ની આસપાસનો સમય. ધીરુબહેન જન્મભૂમિ ગ્રુપનાં ‘સુધા’ મહિલા સાપ્તાહિકનાં તંત્રી. બહેનોને સામેથી બોલાવે. હાથમાં કલમ પકડાવે.

એમાં હુંય સામેલ. ફૅશન કૉલમ, થોડી નવલિકાઓ, બેએક નવલકથા. આટલું જ મારી કિટીમાં. મને ચારે બાજુ દોડાવે. પેલીનો ઇન્ટરવ્યુ લઈ આવ, જા સર્કસની બહેનોને મળી આવ. બે સાવ નાની દીકરીઓ. તેમને બપોરે સુવડાવી હું દાડાદોડ તેમની સામે હાજર. સદ્ભાગ્ય એ કે મારું ઘર નજીક. ‘મારે પણ એક ઘર હોય’ નવલકથાનું નામ મૅટર હાથમાં લેતાં તેમણે જ પાડેલું, જે નવલકથાએ મને સર્જનનો રસ્તો ચીંધ્યો.



અમે એક પ્રયોગ કર્યો. ચિત્રમાં રહસ્યકથા તું લખ, લખી જ શકીશ. મેં કહ્યું, ડન. મહિલા સાપ્તાહિક એટલે મેં કહ્યું, હીરાના હારની ચોરી કરાવું? મજા પડશે. છ મહિના ચાલેલી ચિત્ર-રહસ્યકથા ખૂબ વખણાઈ. કેટલીયે બપોર આવા નુસખાની ચર્ચા કરતાં અમે આનંદમાં સાથે ગાળી છે.


મોટા મનનાં એવાં કે બીજાને માટે અભિનંદન-પ્રોત્સાહનના કાર્યક્રમો યોજે. પોતાને ખર્ચે અને પોતે સાવ બૅકગ્રાઉન્ડમાં અને મને આગળ કરે. બકુલ ત્રિપાઠી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. મને કહે, ચાલ આપણે તેમનું સન્માન કરીએ. તેમણે સ્ત્રીમંડળ હૉલમાં કાર્યક્રમ ગોઠવ્યો. લેખિકાઓનું હાસ્યસંમેલન, અચાનક મને ફોન આવ્યો, તું સરસ જરીવાળો સાફો લઈને આવજે. છેલ્લી ઘડીનું ફરમાન. હું દોડી મગનલાલ ડ્રેસવાલાને ત્યાં અને સાફો લઈ આવી. સ્ટેજ પર સિંહાસન મુકાવ્યું અને રાજતિલક કરી બકુલભાઈને બેસાડ્યા. અમે બહેનોએ હાસ્યલેખો વાંચ્યા અને બકુલભાઈએ ખૂબ તોફાની હાસ્યસભર વક્તવ્ય આપ્યું. પછી મજેદાર જમવાનું.

આરંભમાં હું જ્યારે ‘સુધા’માં જતી ત્યારે હું નવી લખતી થયેલી પણ ઉત્સાહ ખૂબ. તેમણે વાર્તાસ્પર્ધા રાખેલી. જીવનના છેવાડે સુધી આવી સ્પર્ધાઓ યોજતા પોતાને ખર્ચે. મને કહે, સરસ વાર્તા લખ. ચીલાચાલુ વિષય ન લેતી.


મેં જબરદસ્ત તૈયારી કરી. ઍલ્પ્સ પર્વત પરના પ્લેન ક્રૅશમાંથી બચેલા મુસાફરોની સત્યઘટના. મેં તો જેમની તેમ લાંબી-લાંબી લખી. પોરસાઈને આપવા ગઈ. પરિણામ જાહેર થયું, પણ ઇનામ ન મળ્યું. હું ગઈ એટલે નિરાંતે આખી વાર્તાનો અને નવલિકામાં શું જોઈએ એ મને સમજાવ્યું. એક કાચુંપાકું લખતી લેખિકા તો કેમ કહેવાય! તેની પાછળ સમય આપવો પડે એ કેવી મોટી વાત હતી!

એક વાર અચાનક ફોન. ચાલ, અમદાવાદ. બસ, એમ જ ઊપડીએ. ટિકિટ લઈ આવ. દુરોન્તોની ટિકિટ લઈ અમે ઊપડ્યાં. કોઈ એજન્ડા નહીં, પ્રોગ્રામ નહીં. બસ, અમે બેએ જલસા જ કર્યા.
અમે સાહિત્ય પરિષદમાં પણ સાથે કામ કર્યું. તે પ્રમુખ થયાં. અમે ટ્રેનમાં સૂતાં-સૂતાં ગપ્પાં મારતાં જઈએ. મુંબઈમાં અધિવેશન હતું. મને અને ઉદયનને લઈ અમે કાંદિવલી અરેન્જમેન્ટ જોવા જઈએ. રાત્રે પાછાં ફરતાં જુદી-જુદી હોટેલમાં જમવા લઈ જાય. રાત્રે ઘરે જઈ શું ખાઈશ! મારી દેખતાં જમીને જા.

તેમની નજીક કોઈ હોય ન હોય, સૌની કાળજી કરે. મને તો કેટલી સાડીઓ, પાર્કર પેન અને પંજાબી ડ્રેસ ભેટ આપ્યાં છે. મને ‘અણસાર’ માટે સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો ૧૯૯૬માં. ગુરુ પહેલાં શિષ્યને. એ તો ખુશ જ. મને સરસ સાડી ભેટ આપી અને મારાં અભિનંદનનો કાર્યક્રમ યોજ્યો. મને અવૉર્ડ મળ્યો ત્યારે કોઈએ કાર્યક્રમ કોઈ યોજ્યો નહોતો. તેમને દુઃખ હતું. મહિલાને અવૉર્ડ મળ્યો અને મુંબઈ આવી તેમણે સરસ કાર્યક્રમ યોજી મારું અભિવાદન કર્યું હતું.

એક વખત તેમનાથી હું નારાજ થઈ ગઈ હતી. સાચ્ચે જ તેમનો વાંક હતો. હું બે દિવસ બોલી નહીં. ન ફોન. ત્યાં સવારે ૭ વાગ્યે ફોન અને રોજનો ટહુકો, તું કેમ છે? ના, પોતાના વાંકનો તો અક્ષરેય નહીં. પણ ધીરુબહેન પાસે

રોષ, આગ્રહ કશું ન ટકે. બેત્રણ દિવસ સવારે તેમનો ફોન અને થોડા દિવસે બપોરે ટ્રેન પકડી તેમને ત્યાં જાઉં. ટિફિન આવે. અમે લહેરથી જમીએ. પછી ગપ્પાંય મારીએ, ચારેક વાગ્યે ટ્રેનમાં નીકળી જાઉં.

જાણે એક વર્તુળ પૂરું થયું. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો, મને પણ મળ્યો. તેમને દર્શક અવૉર્ડ મળ્યો અને મને તેમના હાથે શાલ ઓઢી અવૉર્ડ મળ્યો. મારું ગજું તેમનાથી ક્યાંય નાનું પણ મને સમોવડી સર્જક ગણે અને બહેનોને વક્તવ્યમાં હંમેશાં કહે, મને નહીં; વર્ષાને રોલમૉડલ ગણો. એ નિયમિત અને શિસ્તપ્રિય છે. હંમેશાં બીજાને આગળ કરવાનો તેમનો સ્વભાવ. નાખી નજર નાખે એવા મહામનાની પેઢીનો એ છેલ્લો સિતારો.

આપણે જીવનને વર્તુળાકારે જોઈએ છીએ. ​​​​ક્ષિતિજની પેલે પાર ફરી ક્યારેક જરૂર મળીશું. મળીશુંને ધીરુબહેન?

 - વર્ષા અડાલજા

(લેખિકા સાહિત્યકાર, નોવેલિસ્ટ, નાટ્યકાર અને સાહિત્ય અકાદમી અવૉર્ડ વિનર છે.)

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 12:00 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK