ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ : નલિયામાં ૫.૮ ડિગ્રી તાપમાન : ગુજરાતનાં ૮ નગર અને શહેર તેમ જ ૩ જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડાગાર પવનોએ જનજીવન પર કરી અસર
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાત આખું કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીની સાથે-સાથે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘૨૮ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.’ એક તરફ ઉત્તર ગુજરાતમાં ઠંડી પડી રહી છે અને હવે માવઠું થવાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ઊભી થઈ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ઠંડીનું જોર ગઈ કાલે પણ યથાવત્ રહેવા પામ્યું હતું. ગઈ કાલે ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુંગાર નગર બની રહ્યું હતું, જ્યાં મિનિમમ તાપમાન ૫.૮ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ૮ નગર અને શહેર તેમ જ ૩ જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેવા પામ્યો હતો. નલિયા ઉપરાંત વલસાડમાં ૭.૮, પાટણમાં ૮.૧, રાજકોટમાં ૮.૭, પોરબંદરમાં ૯, ગાંધીનગરમાં ૯.૨, ભુજમાં ૯.૭, ડીસામાં ૯.૮, અમદાવાદ અને અમરેલીમાં ૧૦.૪ ડિગ્રી તેમ જ પંચમહાલમાં ૭.૧, ડાંગ જિલ્લામાં ૮.૮ અને નર્મદા જિલ્લામાં ૯ ડિગ્રી મિનિમમ તાપમાન રહેવા પામ્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડાગાર પવનોએ જનજીવન પર અસર કરી હતી અને નાગરિકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું.

