નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં આટલાં પોસ્ટકાર્ડ લખાયાં, જેને વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સ લંડન અને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં વિક્રમ તરીકે સમાવવાની અરજી કરવામાં આવી
નરેન્દ્ર મોદીને લખેલાં આભારનાં પોસ્ટકાર્ડ બતાવી રહેલા વિદ્યાર્થીઓ, ટીચર્સ, પેરન્ટ્સ સહિતના લોકો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે. પોસ્ટકાર્ડ લખાયાં એ કાર્યવાહીને વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સ લંડનમાં તેમ જ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં વિશ્વવિક્રમ તરીકે સમાવવા માટે ઍપ્લિકેશન કરવામાં આવી છે.
ગુજરાતમાં ટૂંકા સમયગાળામાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે. આ લખેલાં પોસ્ટકાર્ડ સહિત સ્ટૅચ્યુ ઑફ યુનિટી, બુલેટ ટ્રેન, વિકસિત ભારત @ ૨૦૪૭, ઑપરેશન સિંદૂર સહિતની થીમ પર અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદર્શન યોજાયું છે જેને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અભિયાન સહિતનાં જે પગલાં ભરાયાં એ બદલ ગુજરાતની સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદો, ખરીદ-વેચાણ સંઘોના સભાસદો, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખેડૂતો સહિતના લોકોએ પોસ્ટકાર્ડ લખીને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન મંડળના સભ્યોએ પણ વડા પ્રધાનને આભાર પત્રો લખ્યા હતા.


