VHP અને બજરંગ દળના નામ સાથેનાં આ સ્ટિકર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં : આજે મોરબી બંધ, મૌન રૅલી નીકળશે, આતંકના પૂતળાનું દહન થશે
મોરબીમાં દુકાનો બહાર લાગેલાં સ્ટિકર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુ પુરુષોને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર દેશ અને દુનિયામાં ભારે હલચલ મચી ગઈ છે અને આક્રોશ ફેલાયો છે ત્યારે એના પ્રત્યાઘાત સૌરાષ્ટ્રના મોરબીમાં પણ પડ્યા છે. મોરબીમાં હિન્દુઓની દુકાનો પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે સ્ટિકર લગાવ્યાં છે જેમાં લખ્યું છે કે ‘મૌત ને ભી સિર્ફ ધર્મ દેખા, ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે.’
સોશ્યલ મીડિયામાં આ સ્ટિકર વાઇરલ થયું છે.
ADVERTISEMENT
પહલગામમાં આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને અલગ કરીને ગોળીથી વીંધી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. VHP અને બજરંગ દળે લગાવેલાં સ્ટિકરમાં પોતાના પતિના મૃતદેહ સાથે બેઠેલી મહિલાનો ફોટો દર્શાવ્યો છે અને એની બાજુમાં લખ્યું છે કે ‘મૌત ને ભી સિર્ફ ધર્મ દેખા.’ ફોટો નીચે લખ્યું છે કે ‘ધર્મ જોઈને સામાન ખરીદો. આ હિન્દુની દુકાન છે.’
આ સ્ટિકર મુદ્દે VHPના મોરબી જિલ્લાના પ્રમુખ જિલેશ કાલરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહલગામમાં ધર્મ પૂછીને આતંકવાદીઓએ લોકોને મારી નાખ્યા છે. ધર્મ પૂછ્યો એટલે અમે આ રીતે લાગણી વ્યક્ત કરી છે. મોરબીમાં હિન્દુ સમાજની દુકાનો પર સ્ટિકર લગાવ્યાં છે કે ધર્મ પૂછીને ગોળી ચલાવવામાં આવતી હોય તો ખરીદી પણ ધર્મ પૂછીને કરવી જોઈએ. મોરબીમાં અમે અંદાજે ૨૦૦૦ જેટલાં સ્ટિકર લગાવ્યાં છે.’
મોરબીના વેપારીઓ આજે બપોર સુધી મોરબી બંધ રાખશે. મોરબીમાં નવા બસ-સ્ટૅન્ડથી નગર દરવાજા ચોક સુધી મૌન રૅલી નીકળશે અને ત્યાં આતંકના પૂતળાનું દહન કરવામાં આવશે.
-જિલેશ કાલરિયા, VHPના મોરબી જિલ્લાના પ્રમુખ

