નેતાઓ અને સામાન્ય જનતાની સિચુએશનની વરવી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરીને કહ્યું કે સર, તમારે સાંભળવું પડશે, આપણી ગવર્નમેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે
શૈલેશ કળથિયાની સ્મશાનયાત્રામાં પત્ની શીતલે પણ કાંધ આપી હતી.
આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બનેલા સુરતના શૈલેશ કળથિયાનાં પત્ની શીતલે કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ સમક્ષ વેદના ઠાલવી
કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓએ નિર્દોષ સહેલાણીઓને ગોળીઓ મારીને મોતના મુખમાં ધકેલી દેવાની ઘટનામાં ભોગ બનેલા શૈલેશ કળથિયાનો પાર્થિવ દેહ સુરત લવાયો હતો અને ગઈ કાલે તેમની અંતિમયાત્રા પહેલાં તેમને શ્રદ્ધાંજલિ આપવા આવેલા કેન્દ્રીય જળશક્તિપ્રધાન સી. આર. પાટીલ સમક્ષ શૈલેશભાઈનાં પત્ની શીતલ કળથિયાએ વેદના ઠાલવીને સામાન્ય નાગરિકોની સુરક્ષાના મુદ્દે સવાલો કરીને નેતાઓ અને સામાન્ય જનતાની સિચુએશનની વરવી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરીને કહ્યું હતું કે ‘સર, તમારે સાંભળવું પડશે. તમારો જીવ જીવ છે, આ ટૅક્સ પે કરે છે તેમનો જીવ જીવ નથી?’
ADVERTISEMENT
શીતલ કળથિયાએ સી. આર. પાટીલ સમક્ષ વેદના ઠાલવતાં કહ્યું હતું કે ‘કોઈ સુવિધા નહીં, કોઈ ફૅસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં. જ્યારે મોટા-મોટા નેતા આવે, કોઈ વીઆઇપી માટે પાછળ કેટલી ગાડીઓ, ઉપર હેલિકૉપ્ટર શેનાથી ચાલે છે? ટૅક્સ પે કરે છે એના પર જને? વીઆઇપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કૅમ્પમાં ચિલ્લાઈ-ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે જલદી કંઈક કરો. અમે ઉપરથી પડતા-આખડતા નીચે ઊતર્યા તો હજી ઉપર કોઈ ફૅસિલિટી ગઈ નહોતી. આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટૂરિસ્ટ-પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમૅન નહીં, કોઈ પોલીસમૅન નહીં કે કોઈ ફર્સ્ટ એઇડ કિટ નહીં, કોઈ જ સુવિધા નહીં.’
પોતાની આપવીતી વર્ણવતાં અને પ્રશ્નો ઉઠાવતાં શીતલ કળથિયાએ કહ્યું હતું કે ‘એક આર્મીમૅન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે એ વાતનો જવાબ દો. જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો? મારા ઘરનો સ્તંભ ગયો છે. હવે તમે મને પાછો આપો, મારે બીજું કંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટિંગ જ નહીં કરતા. આપણી ગવર્નમેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે. તમારી પાછળ કેટલા વીઆઇપીઓ હોય છે? કેટલી ગાડીઓ હોય છે? તમારો જીવ જીવ છે. આ ટૅક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી? આ છોકરાઓનું શું? તેમનું ભવિષ્યનું શું? આને ડૉક્ટર બનાવવી છે, આને એન્જિનિયર બનાવવો છે. હું કેવી રીતે બનાવીશ? મને ન્યાય જોઈએ. મારા છોકરાઓનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ.’
શીતલ કળથિયાએ જુદા-જુદા ટૅક્સ વિશે બળાપો ઠાલવતાં સી. આર. પાટીલને કહ્યું હતું કે ‘સર્વિસમાં ટૅક્સ કટ કરીને તમે સૅલેરી આપો છોને? ઉપરથી અમે કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો, ક્યાંય જઈએ છીએ તો ફરીથી ટૅક્સ, ટોલ ટૅક્સ. બધા ટૅક્સ તમે અમારી પાસેથી લો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફૅસિલિટી નથી મળી. મને આનો ન્યાય જોઈએ. તમે લોકો અહીં જ રહો. તમે કહો મને કે તમે શું કરશો એના માટે? આ એક નહીં, આના જેવા ઘણા ભાઈઓ બધા નિર્દોષ હતા. બધાને આવડા-આવડા છોકરા હતા. સરકાર ખાલી કહે છે કે અમે કરીશું. નહીં સર, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્નમેન્ટ આવીને ફોટો પાડે છે. ત્યાં જેટલા લોકોનો જીવ ગયા છે એ બધા માટે ન્યાય જોઈએ, બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. હું શું કહું છું કે આ તમે બંધ કરી દો કે આ ટૂરિસ્ટ-પ્લેસ છે જ નહીં.’
બન્ને બાળકોને બારમા ધોરણ સુધી ભણાવવાની જવાબદારી ઉપાડી સુરતના આશાદીપ વિદ્યાલયે
શૈલેશ કળથિયાનાં બન્ને બાળકોને બારમા ધોરણ સુધી ભણાવવાની જવાબદારી આશાદીપ વિદ્યાલયે ઉપાડી છે. આ સ્કૂલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુઃખદ ઘટનામાં આશાદીપ વિદ્યાલયનો પરિવાર સ્વ. શૈલેશભાઈના પરિવાર સાથે છે. તેમનાં બન્ને બાળકોને આશાદીપ ગ્રુપ ઑફ સ્કૂલ્સની કોઈ પણ સ્કૂલમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવાની જવાબદારી સ્કૂલના ટ્રસ્ટીમંડળે સ્વીકારી છે.’
આતંકવાદી કલમા... કલમા બોલી રહ્યા હતા, હિન્દુ હતા તેમને શૂટ કરી દીધા
શૈલેશ કળથિયાના પુત્ર નક્ષે આમ કહીને માસૂમ પ્રશ્ન કર્યો કે આવડો મોટો આતંકવાદી હુમલો થયો અને તેમને કંઈ ખબર જ નથી, હું ઇચ્છું છું કે પહલગામ પર હવે આર્મી રાખો
પહલગામમાં આતંકવાદીઓનો ભોગ બનેલા શૈલેશ કળથિયાના પુત્ર નક્ષે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘કાશ્મીર બહુ સરસ છે. અમે પહલગામ ગયા હતા. ત્યાં ૧૦-૧૫ મિનિટમાં આતંકવાદીઓ આવી ગયા તો અમે ભાગ્યા અને સંતાઈ ગયા. આતંકવાદીઓએ અમને શોધી લીધા. અમે બે આતંકવાદીને જોયા હતા. એકે કહ્યું કે મુસલમાન અલગ થઈ જાઓ અને હિન્દુ અલગ થઈ જાઓ. હિન્દુવાળા જેન્ટ્સને ગનથી ગોળી મારી દીધી અને ગાયબ થઈ ગયા. તો બધા બોલ્યા કે જે બાળકો છે તે નીચે ભાગો. અમે નીચે ભાગી ગયાં. મમ્મી-દીદીએ મને ઘોડા પર બેસાડી દીધો હતો. મને લાગ્યું કે હવે તો ગયા. મારી મમ્મી મારા પપ્પાને છોડીને જઈ નહોતી રહી, પણ અમારે જવું પડ્યું. આતંકવાદી કલમા... કલમા બોલી રહ્યા હતા. મુસલમાનોને પોતાની ભાષા આવડતી હતી. તેઓ બોલતા હતા કે મુસલમાન. ત્રણ વાર કલમા બોલ્યા, ત્રણ વાર મુસલમાન બોલ્યા અને જે હિન્દુ હતા તેમને શૂટ કરી દીધા. અમે ત્યાં ૨૦–૨૫ લોકો હતા અને તેઓ અમારાથી બે-ત્રણ ફુટ દૂર હતા. એ સમયે હું ભગવાનને યાદ કરતો હતો.’
નાનકડા નક્ષે માસૂમતાથી મીડિયાને પ્રશ્ન કર્યો હતો કે ‘આવડો મોટો આતંકવાદી હુમલો થયો અને તેમને ખબર જ નથી? અહીં નીચે આર્મીનો બેઝ છે, પણ ખબર જ નથી. હું ઇચ્છું છું કે પહલગામ પર હવે આર્મી રાખો, બે-ત્રણ જગ્યાએ રાખો. હવે ત્યાં હું નહીં જાઉં.’

