એક કૉર્પોરેટર વિપુલ સુહાગિયાની ACBએ ધરપકડ કરી છે, જ્યારે બીજો કૉર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા ફરાર થયો છે.
સુરતના કૉર્પોરેટર વિપુલ સુહાગિયાને ACBએ ઝડપી લીધો હતો.
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કૉર્પોરેટર સામે ૧૦ લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપ સાથે ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. એક કૉર્પોરેટર વિપુલ સુહાગિયાની ACBએ ધરપકડ કરી છે, જ્યારે બીજો કૉર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા ફરાર થયો છે. ACBના જણાવ્યા પ્રમાણે સુરતમાં આવેલા મગોબ ગામની સીમમાં મલ્ટિ-લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. આ જગ્યાએ સુરતના પુણાના વૉર્ડ નંબર ૧૬ અને ૧૭ના કૉર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા ગયા હતા. તેમણે કૉન્ટ્રૅક્ટર સાથે શાકભાજી માર્કેટની કૉર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યું હોવાનું જણાવીને તકરાર કરી કૉન્ટ્રૅક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી કૉન્ટ્રૅક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવ્યું હતું. ત્યાર બાદ કૉન્ટ્રૅક્ટ રદ કરવામાંથી બચવું હોય તો ૧૧ લાખ રૂપિયા આપવા પડશે એવી માગણી કરી હતી અને રકઝકના અંતે ૧૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ વાતચીતનું કૉન્ટ્રૅક્ટર દ્વારા ઑડિયો રેકૉર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. આ વાતચીતમાં નાણાં શબ્દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડૉક્યુમેન્ટ આપવાના છે એવો શબ્દ વપરાયો હતો.