પૈસા આપીને બોગસ ડૉક્ટર બનેલા દસમું અને બારમું ધોરણ પાસ ૧૦ ડૉક્ટરોની સુરતની પોલીસે ધરપકડ કરી: ડૉ. રસેશ ગુજરાથી અમદાવાદના ડૉ. બી. કે. રાવત સાથે મળીને વેચતો હતો BEMSની ડિગ્રી
પ્રતીકાત્મક તસવીર
સુરતમાં ૭૫,૦૦૦ રૂપિયામાં નકલી બૅચલર ઑફ ઇલેક્ટ્રોપથી મેડિસિન ઍન્ડ સર્જરી (BEMS)ના ડૉક્ટર બનાવી આપવાનું કૌભાંડ સુરતની પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યું છે એટલું જ નહીં, ૧૦ અને ૧૨ ધોરણ પાસ યુવકોએ આવી બોગસ ડિગ્રી વેચાતી લઈને સુરતના જુદા-જુદા વિસ્તારોમાં પ્રૅક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. જોકે પોલીસે ૧૦ બોગસ ડૉક્ટર અને બોગસ ડિગ્રી બનાવી આપનાર ૩ જણને ઝડપી લઈને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે ત્રણ જગ્યાએ બોગસ ડૉક્ટરો ક્લિનિક ખોલીને દરદીઓની સારવાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પાંડેસરામાં કવિતા ક્લિનિક, શ્રેયાન ક્લિનિક અને પ્રિન્સ ક્લિનિકમાં તપાસ કરીને બોગસ ડિગ્રીના આધારે મેડિકલ પ્રૅક્ટિસ કરતા શશિકાંત મહંતો, સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ દેવનાથને ઝડપી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગોપીપુરા ખાતે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કૉલેજના નામથી ઇલેક્ટ્રો હોમિયોપથીનો કોર્સ કરાવતા ડૉ. રસેશ ગુજરાથી દસમી પાસ વિદ્યાર્થીઓ પાસેથી ૭૫,૦૦૦ રૂપિયાની ફી લઈને અમદાવાદના બોર્ડ ઑફ ઇલેક્ટ્રો હોમિયોપથિક મેડિસિનમાંથી BEMSની ડિગ્રી અપાવે છે. એ માહિતીના આધારે પોલીસે ડૉ. રસેશ ગુજરાથીને ત્યાં રેઇડ પાડતાં તેના ઘરેથી ડૉક્ટરોનાં રજિસ્ટ્રેશનનું રજિસ્ટર, માર્કશીટ, BEMS ડિગ્રીનું ઍપ્લિકેશન ફૉર્મ અને સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજ મળી આવ્યા હતા.
ADVERTISEMENT
પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી આપનાર ડૉ. રસેશ ગુજરાથી ઉપરાંત અમદાવાદના ડૉ. બી. કે. રાવત તથા ઇરફાન સૈયદને ઝડપી લીધા છે; જ્યારે બોગસ ડૉક્ટરો રાકેશ પટેલ, આમિન ખાન, સમીમ અન્સારી, સૈયદ અબ્દુલબંસલ, મોહમ્મદ શેખ, તબરીશ સૈયદ, રાહુલ રાઉત, શશિકાંત મહંતો, સિદ્ધાર્થ દેવનાથ તથા પાર્થ દેવનાથને ઝડપી લીધા છે.
1500
ડૉ. રસેશ ગુજરાથી અને ડૉ. બી. કે. રાવતે આજ સુધી ૧૫૦૦ જણને BEMSનાં ડિગ્રી-સર્ટિફિકેટ આપ્યાં છે


