નવસારી અને વડોદરાની ૬૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓએ જોશભેર દોડ લગાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા, તેમના માટે અનેક સ્પર્ધા યોજાઈ

નવસારીમાં મહિલાઓએ સાડી પહેરીને રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો.(ડાબે) અને વડોદરામાં સિનિયર સિટિઝન મહિલાઓએ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સાડી પહેરીને જોશભેર દોડીને તેમ જ દમ લગાવીને સામસામે રસ્સી ખેંચીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા જિલ્લા લેવલે સિનિયર સિટિઝન્સ મહિલાઓ માટે ઍથ્લેટિક્સ, યોગાસન, ચેસ, ગોળાફેંક, રસ્સાખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સિનિયર સિટિઝન મહિલાઓએ પોતાની ઉંમર ભૂલી જઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ, જી ૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત અને નવસારી જિલ્લા રમતગમત કચેરી દ્વારા નવસારીમાં ૬૦ વર્ષથી ઉપરની મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧૩ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં આ સિનિયર સિટિઝન મહિલાઓએ તેમનું કૌશલ્ય ઝળકાવતાં જોશ સાથે મેદાનમાં ઊતરી હતી. નવસારીમાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી હતી અને સામસામે રસ્સી ખેંચી હતી. વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.
બીજી તરફ વડોદરામાં ૮૪ વર્ષનાં શાલિની દાતારે ૧૦૦ મીટર દોડમાં ભાગ લઈને દોડ લગાવીને તેમ જ ૭૪ વર્ષનાં ઉષા શાહે વૉકિંગ અને ટગ ઑફ વૉરમાં ભાગ લઈને બીજાઓ માટે પ્રેરણારૂપ બન્યાં હતાં. વડોદરામાં ૧૨૦ જેટલી સિનિયર સિટિઝન મહિલાઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને વડોદરા જિલ્લા રમતગમત કચેરી દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવી હતી.