૫૧ શક્તિપીઠ મંદિરમાં રાજભોગ થાળ ધરાવાયો અને પેટા-મંદિરોના પૂજારીઓની સંખ્યા વધારીને તેમને લઘુતમ વેતન આપવાની માગણી કરાઈ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા અંબાજી મંદિરના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા અંબાજીમાં ૫૧ શક્તિપીઠમાં બંધ કરાયેલા રાજભોગને ફરી ચાલુ કરાવવા તેમ જ મંદિરોના પૂજારીઓની સંખ્યા વધારીને તેમને લઘુતમ વેતન આપવાની માગણી કરવામાં આવી છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી હેમાંગ રાવલ અને ઉપપ્રમુખ ડામરાજી રાજગોરે કહ્યું હતું કે ‘શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા, પરશુરામ પરિવાર અને અંબાજીના સ્થાનિકો દ્વારા ગઈ કાલે ૫૧ શક્તિપીઠમાં સનાતન ધર્મનો વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિક્રમાનાં ૫૧ મંદિરોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો તેમ જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. અંબાજીમાં મુખ્ય મંદિર સિવાય ૫૧ શક્તિપીઠ સહિત બીજાં ૬૧ પેટા-મંદિરોનું દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ મંદિરોમાં કોરોના પહેલાં માતાજીને ભોજનથાળ ધરાવવામાં આવતો હતો, પરંતુ કોરોનાના કારણે રાજભોગ થાળ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોરોના બાદ રાજભોગ થાળ ધરાવવા માટે માઈભક્તો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી રાજભોગ ફરી શરૂ થયો નથી એટલે ૫૧ શક્તિપીઠ મંદિરમાં રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તથા કુલ ૬૧ પેટા-મંદિરોમાં ૩૫ પૂજારીઓ સેવા આપી રહ્યા છે ત્યારે ૫૧ શક્તિપીઠમાં પૂજારીઓની સંખ્યા એક મંદિર દીઠ એક કરવામાં આવે. આ પૂજારીઓના પગાર લઘુતમ વેતન ધારા મુજબ આપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.’

