તલગાજરડા ખાતે ગઈ કાલે હનુમાન જયંતીના અવસરે કથાકાર મોરારીબાપુના સાંનિધ્યમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
મોરીરીબાપુએ શબાના આઝમીને અવૉર્ડ આપીને તેમનું સન્માન કર્યું હતું. મોરીરીબાપુએ અરવિંદ વૈદ્યને અવૉર્ડ આપીને તેમનું સન્માન કર્યું હતું.
ગુજરાતમાં આવેલા તલગાજરડા ખાતે ગઈ કાલે હનુમાન જયંતીના અવસરે કથાકાર મોરારીબાપુના સાંનિધ્યમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતાં અભિનેત્રી શબાના આઝમી તથા રંગભૂમિ, ટીવી અને ફિલ્મોના વરિષ્ઠ કલાકાર અરવિંદ વૈદ્ય સહિતના કલાકારોને મોરારીબાપુએ અવૉર્ડ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. અવૉર્ડ સ્વીકારીને ખુશી વ્યક્ત કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘મને ઘણાં સન્માનો અને અવૉર્ડ્સ પ્રાપ્ત થયાં છે, પણ મોરારીબાપુના હસ્તે મળેલા આ અવૉર્ડથી ધન્યતા અનુભવું છું. એનાથી હવે સામાજિક જવાબદારી વધી છે.’
મોરારીબાપુએ કહ્યું હતું કે ‘તમે સૌ કલાસાધકો અમારી વંદના કબૂલ કરવા અહીં આવો છો એનાથી અમે જાતને ગૌરવપૂર્ણ સમજીએ છીએ. જીવનમાં ૭ આહાર એવા છે જે આપણી ઊર્જાને ઊર્ધ્વગામી કરે છે. એમાં ગાયન, વાદન, નર્તન, એકાંત, મૌન, મંત્ર અને ભજનને મૂકી શકાય. હનુમાનજી મહારાજ આ વિવિધ વિદ્યાઓની પ્રસ્તુતિથી પ્રસન્ન થાય છે.’
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં કલાકારો અરવિંદ વૈદ્ય, શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી, સુચિતા મહેતા, રમેશ નાયક, કંવરજિત પેન્ટલ, રતિકાંત મહાપાત્ર, દેબાશિષ ભટ્ટાચાર્ય, સુસાઇ કન્નુ કુલંદેઇ સામી, કનુ પટેલ, વસંતકુમાર ભટ્ટ, ઓજસ અઢિયા, વિદુષી કૌશિકી ચક્રબર્તીને અવૉર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અવૉર્ડની સાથે રોકડ રકમ, પ્રશસ્તિપત્ર અને સૂત્રમાળાથી ચિત્રકલા, સંગીત, નાટક અને નૃત્યના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મને ઘણાં સન્માનો અને અવૉર્ડ્સ પ્રાપ્ત થયાં છે, પણ મોરારીબાપુના હસ્તે મળેલા અવૉર્ડથી ધન્યતા અનુભવું છું અને જવાબદારી વધી છે,- શબાના આઝમી
