ચોમાસાનું રોમાંચકારી વાતાવરણ, ડાંગી નૃત્ય અને અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યનો નઝારો માણવા ઊમટશે સહેલાણીઓ
ડાંગમાં આવેલો ગીરમાળ ધોધ, ડાંગમાં આવેલું પંપા સરોવર.
ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં આજથી ૧૭ ઑગસ્ટ સુધી સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલ યોજાશે. ચોમાસાનું રોમાંચકારી વાતાવરણ, ડાંગી નૃત્ય અને અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યનો નઝારો માણવા સહેલાણીઓ ઊમટશે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાપુતારા મૉન્સૂન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થશે એની સાથે સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બનશે. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રૅન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગણ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના ૩૫૦થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રૉપ્સ સાથે લોકકલા રજૂ કરશે. આ વર્ષે રેઇનડાન્સ અને નેચરવૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. અહીં પ્રવાસીઓને ડાંગની સંસ્કૃતિ, રીતરિવાજ, પરંપરાગત ભોજન, રહેણીકરણી, નૃત્યકલાની ઝલક જોવા મળશે. આ ઉપરાંત સાપુતારા અને એની આસપાસ આવેલાં જોવાલાયક પ્રવાસન-સ્થળોની રોમાંચક સફર કરવા મળી શકે છે.


