આરએસએસના લીડર રામ માધવે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો સાથે બેઠક કરી
ફાઇલ તસવીર
સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી, અખિલ ભારતીય સંત સમિતિએ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીને ગુજરાતના પ્રદેશાધ્યક્ષના પદ પરથી હટાવ્યા, આ બધા વચ્ચે આરએસએસના લીડર રામ માધવે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો સાથે બેઠક કરી
સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનાં ભીંતચિત્રોનો વિવાદ શમવાને બદલે વધ્યો છે. સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત અને સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનજીને પગે લાગતા બતાવ્યાના મુદ્દે ગઈ કાલે અખિલ ભારતીય સંત સમિતિએ આકરા નિર્ણય લીધા હતા. આ સંત સમિતિએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
આ વિવાદના મામલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ એન્ટ્રી થઈ છે. આરએસએસના લીડર રામ માધવે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો સાથે બેઠક કરી હતી. તેમણે ૧૫થી ૨૦ મિનિટ સુધી મંદિરના મૅનેજમેન્ટ સાથે મીટિંગ કરી હતી.
અખિલ ભારતીય સંત સમિતિએ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી વિરુદ્ધ પણ ઍક્શન લીધી છે. તેમને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રદેશાધ્યક્ષના પદ પરથી હટાવવામાં આવ્યા છે. સનાતન ધર્મના સંતોએ ઠરાવ પસાર કરીને તેમને પદભ્રષ્ટ કર્યા છે.
હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે વિવાદિત ભીંતચિત્રોને ન હટાવવા તેમ જ માફી ન માગવા બદલ હિન્દુ સંતોએ અમદાવાદમાં મીટિંગ કરી હતી, જેમાં નક્કી થયું હતું કે હિન્દુ સંતો સ્વામીનારાયણ સંપ્રદાયથી અંતર રાખશે. તેઓ તેમના કાર્યક્રમ અને ધાર્મિક સ્થળોએ નહીં જાય.
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક : સમિતિ રચાશે
ભીંતચિત્રોના વિવાદનો ઉકેલ લાવવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની એક બેઠક ગઈ કાલે મળી હતી. ગઈ કાલે સવારે સનાતન ધર્મના સંતોની સાથે ૫૦૦થી વધુ લોકો સાળંગપુર પહોંચ્યા હતા. એ સમયે ત્યાંના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ આ ભીંતચિત્રો હટાવવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. જોકે આ બેઠકમાં અત્યારે ભીંતચિત્રો હટાવવા બાબતે નિર્ણય લેવાયો નથી. વિવાદ ઉકેલવા સમિતિની રચના જરૂર કરવામાં આવશે.
ત્રણ જણની ધરપકડ કરવામાં આવી
સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોમાં કાળી શાહીનું પોતું મારવા અને એને તોડવાના પ્રયાસ બદલ બોટાદ પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. શનિવારે હર્ષદ ગઢવી નામની એક વ્યક્તિએ ભીંતચિત્રો પર કાળી શાહી ચોપડવાનો પ્રયાસ કર્યો એ પછી આ ઍક્શન લેવાઈ છે.


