રામજી મંદિરમાં જઈ દર્શન કર્યાં, ૬ મહિનાના બાળકને અન્નપ્રાસન કરાવી લાડ લડાવ્યા
કેન્દ્રીય પ્રધાન એસ. જયશંકરે રામજી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
કેન્દ્રીય વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકર ગઈ કાલે તેમણે દત્તક લીધેલા અને મધ્ય ગુજરાતમાં આવેલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં લાછરસ ગામ પહોંચ્યા હતા. ગામમાં તેમણે રામજી મંદિરમાં દર્શન કર્યાં હતાં અને છ મહિનાના બાળકને અન્નપ્રાસન કરાવીને લાડ લડાવ્યા હતા.
એસ. જયશંકરે મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં તેમની મેમ્બર ઑફ પાર્લમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની ગ્રાન્ટમાંથી ૨.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે એક્સપાન્શન થયેલા જિમ્નૅશ્યમ હૉલ અને વ્યાયામનાં અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું. અહીં તેમણે છોકરા-છોકરીઓનાં કરતબ જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને ઊભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા શુભકામના આપી હતી. તેમણે રાજપીપળામાં આવેલી પોસ્ટ-ઑફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.
ADVERTISEMENT
કેન્દ્રીય પ્રધાન એસ. જયશંકરે આંગણવાડી કેન્દ્રમાં ૬ મહિનાના બાળકને અન્નપ્રાસન કરાવ્યું હતું.
એસ. જયશંકર લાછરસ ગામમાં પહોંચ્યા ત્યારે ગામવાસીઓએ તેમને ફૂલોથી વધાવ્યા હતા. તેમણે ગામની પ્રાથમિક શાળામાં ૪.૯૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત લીધી હતી અને સ્માર્ટબોર્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા થતી અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓને નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો. એ ઉપરાંત મેમ્બર ઑફ પાર્લમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની ગ્રાન્ટમાંથી ૧૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરીને બાળકો સાથે પ્રેમપૂર્વક સંવાદ કર્યો હતો. અહીં આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાન અંતર્ગત ૬ મહિનાના બાળકને અન્નપ્રાસન કરાવીને તેના નીરોગી સ્વસ્થ ભવિષ્ય માટે બાળકની મમ્મીને શુભકામના આપી હતી.

