વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટીમાં કરેલો વાયદો નિભાવ્યો અને લટાર મારી : રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કની મુલાકાત લઈને જીવસૃષ્ટિનો નઝારો માણ્યો અને જાણ્યો
રોબો કૅફેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રોબો ચા-પાણી અને નાસ્તો લઈ આવ્યો હતો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૨૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં આવેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટીને કરેલો વાયદો ગઈ કાલે નિભાવતાં સમય કાઢીને અહીં આવેલી રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કની મુલાકાત લઈ જીવસૃષ્ટિનો નઝારો માણ્યો હતો અને સહેલાણીની જેમ ઉત્સુકતા સાથે માહિતી મેળવી હતી. એટલું જ નહીં, લટાર મારીને રોબો કૅફેમાં બેઠા હતા, જ્યાં રોબો તેમને માટે ચા-પાણી અને સૅન્ડવિચ લઈને આવ્યો હતો, જેમાંથી નરેન્દ્ર મોદીએ ચા પીધી હતી.
નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ સાથે સાયન્સ સિટીના રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કમાં ફર્યા હતા. આ મહાનુભાવોએ ઍક્વેટિક પાર્કમાં બનાવેલી ટનલમાંથી પસાર થઈને માછલીઓનો અદ્ભુત નઝારો જોયો હતો.
સાયન્સ સિટીના જનરલ મૅનેજર ડૉ. વ્રજેશ પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોબોટિક ગૅલરીનું ફેઝ-ટૂમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે કહ્યું હતું કે હું આવીશ. તેમણે ગઈ કાલે રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કની મુલાકાત લીધી હતી. રોબોટિક ગૅલરીમાં ૨૧૦ રોબો છે; જેઓ ડિફેન્સ, મેડિસિન, ઍગ્રિકલ્ચર, ઘરકામ કરવા સહિતના જુદા-જુદા કામ કરે છે. આ ઉપરાંત ડાન્સિંગ રોબો છે. તેમણે સર્ચ ઍન્ડ રેસ્ક્યુ રોબો, મેડિસિન રોબો, ડાન્સિંગ રોબો સહિતના અન્ય રોબો જોયા હતા અને એના વિશે માહિતી મેળવી હતી. રોબોટિક ગૅલરીમાં ફર્યા પછી તેઓ રોબો કૅફેમાં આવ્યા હતા, જ્યાં રોબોએ ઑર્ડર પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચા આપી હતી અને તેમણે ચા પીધી હતી.’