Rajkot: હેલ્મેટ-સીટ બેલ્ટના નવા કાયદા સામે ત્રણ દિવસ માટે સત્યાગ્રહ
સરકારે ટ્રાફિકના નવા નિયમો જાહેર કરતા દેશભરમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિકના નિયમો અને દંડને લઈને સરકારે કડક સૂચનાઓ જાહેર કરી છે. ત્યારે રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમના વિરોધમાં 6 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોક પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.6 થી 9 સુધી સવારના 9 થી સાંજના 7 સુધી જિલ્લા પંચાયત ચોકમાં પોલીસ કમિશનર કચેરીની સામે ધરણા કરી સત્યાગ્રહ કરવામાં આવશે. જિલ્લા પંચાયત ચોકમાંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાના વિરોધમાં સહમતી સહી કરાવીને ઝુંબેશ કરવામાં આવશે અને તે સહિનો ઉપયોગ કરી જરૂર પડ્યે હાઇકોર્ટમાં જાહેર હિતમાં અરજી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મોટર વેહિકલ ઍક્ટનો નવો કાયદો લાગુ કરાવવા સીએમ અધિકારીઓ સાથે મંથન કરશે
વર્ષ 2005-06માં રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાતની જાહેરાત કરવામાં આવી ત્યારે ધરણા કરવામાં આવ્યા હતા. એ સમયે 30 જેટલા નાગરિકોએ સવિનય કાનૂન ભંગની લડત લડી જેની માટે તેમને આઠ દિવસની જેલ પણ ભોગવી હતી. હવે ફરી એકવાર સરકારે હેલ્મેટ ઝુંબેશ શરૂ કરતા આ નિયમો સામે લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.


