યાત્રાળુઓની બસમાં ખામી સર્જાતાં એ ઊભી હતી ત્યારે ટ્રક અથડાઈ : ૧૧ ઈજાગ્રસ્ત–મૃતકો તળાજાના દિહોર ગામના હોવાથી અહીં શોકનું મોજું ફરી વળ્યું : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી

પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનમાં ગઈ કાલે થયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના ૧૧ યાત્રાળુનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૧ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થતાં તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાયા હતા.
ગઈ કાલે વહેલી સવારે રાજસ્થાનમાં આવેલા ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારમાં ભાવનગર જિલ્લાના યાત્રાળુઓની બસમાં ખામી સર્જાતાં બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું એ દરમ્યાન એક ટ્રક આવીને અથડાઈ હતી જેને કારણે બસની બહાર ઊભેલા અને બસની અંદર બેસેલા ૧૧ યાત્રાળુનાં મૃત્યુ થયાં હતાં અને ૧૧ યાત્રાળુને ઈજા થઈ હતી. મૃતકો અને ઈજાગ્રસ્તોને ભરતપુરની આર. બી. એમ. હૉસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના આ યાત્રાળુ હતા. તેઓ ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા એ દરમ્યાન અકસ્માત થયો હતો.
આ અકસ્માતના પગલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મૃત્યુ પામનાર વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે તેમ જ ઈજાગ્રસ્તો જલદી સાજા થાય એ માટે પ્રાર્થના કરી હતી. આ ઘટનામાં ગુજરાતના જે યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે તે પ્રત્યેકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર કરશે.