સંગઠન મજબૂત કરવા રાહુલ ગાંધી ગુજરાતમાં : આજે મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો કરશે પ્રારંભ
અમદાવાદમાં કૉન્ગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.
ગુજરાતમાં ફરી વાર કૉન્ગ્રેસના સંગઠનને મજબૂત કરવા ગુજરાત પહોંચેલા કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજેલી બેઠકમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે લોકોની વચ્ચે રહેનાર કાર્યકર કે નેતાને જ ઉમેદવાર બનાવવામાં આવશે. આજે તેઓ ઉત્તર ગુજરાતના મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે.
૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કૉન્ગ્રેસે અત્યારથી જ કમર કસી છે અને એના ભાગરૂપે રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસે ગયા છે. ગઈ કાલે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કૉન્ગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે નિરીક્ષકો માટે ઓરિયેન્ટેશન કાર્યક્રમ યોજ્યો હતો અને એ પછી સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કૉન્ગ્રેસની કો-ઑર્ડિનેશન કમિટી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના નેતા અમિત ચાવડા, કેન્દ્રીય નેતા કે. સી. વેણુગોપાલ અને ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ બેઠકમાં સ્પષ્ટ સંકેત આપ્યા હતા અને ટકોર પણ કરી હતી કે ‘માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને ટિકિટ નહીં મળે, લોકોની વચ્ચે રહેનાર કાર્યકરને કે નેતાને જ ઉમેદવાર બનાવવામાં આવશે. જિલ્લાઓમાં જઈને કાર્યકર્તાઓ અને જનતાને મળો. આપણે અંદરોઅંદર સ્પર્ધા કરવાની નથી, ભારતીય જનતા પાર્ટી સાથે સ્પર્ધા કરવાની છે. યોગ્ય કામગીરી કરનારને જ પ્રમોશન મળશે. યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને કોઈ હોદ્દો નહીં મળે.’

