દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું, વિધાનસભાની કામગીરીને લગતા તમામ દસ્તાવેજ ડિજિટલ ફૉર્મેટમાં રજૂ થવાને કારણે દર વર્ષે લગભગ ૨૫ ટન કાગળની બચત થશે

ભુપેન્દ્ર પટેલ અને દ્રોપદી મુર્મુ
ફિઝિકલથી ડિજિટલ સુધીની સફર કરીને ગુજરાત વિધાનસભા હવે સ્માર્ટ બની છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઈ કાલે દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ-વિધાનસભા ઍપ્લિકેશન નેવાનું ઉદ્ઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે ‘રાજનીતિમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમ જ ગુજરાતના વિધાનસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની પ્રગતિની નોંધ લઈને તેમ જ ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલાઓના પ્રતિનિધિત્વની સરાહના કરીને કહ્યું હતું કે ‘ગુજરાતની પ્રગતિ જોઈને હાર્દિક પ્રસન્નતા થાય છે, પરંતુ એક વાત પ્રત્યે આપનું ધ્યાન આકર્ષિત કરવા માગું છું અને એ છે આ સદનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં, પછી એ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી હોય, ડિફેન્સ કે સ્પોર્ટ્સ હોય એ દરેકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે, તો રાજનીતિમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ‘વડા પ્રધાનના આદર્શ વિચારમાંથી પ્રેરણા લઈને ગુજરાતે ડિજિટલ ગવર્નમેન્ટના અનેક નવા ઇનિશ્યેટિવ લીધાં છે. સરકારની ફાઇલો હવે ઑનલાઇન પ્રોસેસ થાય છે અને આવી વિવિધ વિભાગોની ૧૦ લાખથી વધુ ફાઇલો પ્રોસેસ કરીને પેપરલેસ ગવર્નમેન્ટની દિશામાં ગુજરાતે નક્કર કદમ ભર્યું છે.’
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે વિધાનસભાની કામગીરીને લગતા તમામ દસ્તાવેજો ડિજિટલ ફૉર્મેટમાં રજૂ થવાને કારણે દર વર્ષે લગભગ ૨૫ ટન કાગળની બચત થશે.