પ્રતિભા જૈનની મેયર તરીકે થઈ વરણી ઃ ડેપ્યુટી મેયર તરીકે જતિન પટેલ અને સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે દેવાંગ દાણીને નિયુક્ત કરાયા

પ્રતિભા જૈન
અમદાવાદ ઃ ગુજરાતના અમદાવાદ શહેરના મેયર તરીકે છેલ્લી ત્રણ ટર્મથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાતાં પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે.
પ્રતિભા જૈન ઉપરાંત અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતિન પટેલ, સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે દેવાંગ દાણી અને ગૌરાંગ પ્રજાપતિની અમદાવાદ મ્યુ. કૉર્પોરેશનના બીજેપી પક્ષના નેતા તરીકે વરણી કરાઈ છે. બીએ પૉલિટિકલ સાયન્સ સબ્જેકટ સાથે બીએ સુધીનો અભ્યાસ કરનાર મહિલા મેયર ત્રણ ટર્મથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે કાર્યરત છે. તેઓ તેરાપંથ મહિલા મંડળ તેમ જ જિતોના પણ સભ્ય છે. પ્રતિભા જૈને મેયર બનવાની ખુશી વ્યક્ત કરીને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘અમદાવાદ શહેર માટે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો પૂરા કરવા પ્રયત્ન કરીશ, સાથે-સાથે નગરજનોની સુખાકારી માટે વિકાસનાં કામોને વેગ આપવા પ્રસાય કરીશ.’
અમદાવાદના ડેપ્યુટી મેયર જતિન પટેલે કહ્યું હતું કે ‘અમદાવાદમાં દિનપ્રતિદિન વસ્તી ખૂબ વધી રહી છે એ પ્રમાણે નળ, ગટર, પાણી, રસ્તા, લાઇટને ફરજિયાત સેવાઓ તરીકે પ્રાધાન્ય આપીશ.’