રાતે ૧૨ વાગ્યા સુધી દર્શન કરી શકાશે : ૪૦ લાખ માઈભક્તો દર્શન કરવા આવશે એવી ધારણા : પદયાત્રીઓ માટે ૯૦૦૦ ચો.મી. વિસ્તારમાં ૪ મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે

શક્તિપીઠ અંબાજીમાં રંગબેરંગી રોશનીનો ઝળહળાટ
અમદાવાદઃ ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલા વિશ્વ પ્રિસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આ વખતે ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારો ભાદરવી પૂનમનો મેળો કંઈક અલગ રૂપમાં જોવા મળશે. મેળામાં લાઇટિંગનો ઝળહળાટ એવો હશે કે ચારેતરફ માઈભક્તોને અંબે માતાજીની ઝાંખીનાં દર્શન થશે. માઈભક્તો મેળા દરમ્યાન રાતે ૧૨ વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. એટલું જ નહીં, આ વખતે ૪૦ લાખ જેટલા માઈભક્તો માતાજીનાં દર્શને આવવાની ધારણા હોવાથી પદયાત્રીઓ માટે મહત્તમ સુવિધા ઊભી કરવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે કહ્યું હતું કે ‘ગબ્બર રૂટ, અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ-ડિઝાઇનમાં સુધારો કરી આ વર્ષે અદ્ભુત લાઇટિંગ કરવામાં આવશે જેથી યાત્રાળુઓ તમામ સ્થળો પર માતાજીની ઝાંખી જોઈ શકશે. સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચારેબાજુથી માતાજીની ઝાંખી જોવા મળશે. આ વર્ષે અંબાજી આવનારા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે જેથી અગવડ ન પડે. ગયા વર્ષે પગપાળા યાત્રાળુઓ માટે ૪૦૦૦ ચો. મી. વિસ્તારમાં વૉટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વધારો કરીને આ વર્ષે ૯૦૦૦ ચો. મી. વિસ્તારને સાંકળીને ચાર
અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ બનાવાશે. એમાં ૧૨૦૦ બેડની સુવિધા, વૉશરૂમ, સીસીટીવી કૅમેરા, મોબાઇલ ચાર્જિંગ, હાઉસકીપિંગ સર્વિસ, પીવાના પાણીની સુવિધા રખાશે તેમ જ એક મલ્ટી પર્પઝ ડોમ બનાવાશે. હડાદ અને દાંતા માર્ગો પર વૉશરૂમની સુવિધા ઉપરાંત ગરમ પાણીની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત એક ક્યુઆર કોડ તૈયાર કરવામાં આવશે જેને સ્કૅન કરવાથી સુવિધા વિશેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અંબાજી ખાતે સ્વચ્છતાની કામગીરી માટે ૭૫૦થી વધુ સફાઈ-કામદાર જોડાશે. અત્યારે ગબ્બર પર્વતની સફાઈની કામગીરી કરવા માટે ઝુંબેશ શરૂ કરી દીધી છે. અંબાજી મંદિર તેમ જ એની આસપાસનો વિસ્તાર, ગબ્બર, ૫૧ શક્તિપીઠ તેમ જ યાત્રાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોમાં સફાઈ-કામગીરી હાથ ધરાશે. અમદાવાદ મ્યુ. કૉર્પોરેશન, મહેસાણા, પાલનપુર સહિતની નગરપાલિકાઓ પાસેથી સ્વચ્છતા માટે આધુનિક ટેક્નિક, મશીનરી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.’