કાર્યક્રમોના મુદ્દે કૉન્ગ્રેસે કર્યો વિરોધ તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના કાર્યક્રમ માટે સુરતમાં બીજેપીનાં વિધાનસભ્ય સંગીતા પાટીલની ઑફિસમાં યોજાઈ બેઠક

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઇલ તસવીર
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે હવે તેમના કાર્યક્રમને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના કાર્યક્રમ માટે સુરતમાં બીજેપીનાં વિધાનસભ્ય સંગીતા પાટીલની ઑફિસમાં બેઠક યોજાઈ હતી તો બીજી તરફ ગુજરાતમાં બાગેશ્વર ધામના કાર્યક્રમોના મુદ્દે ગુજરાત કૉન્ગ્રેસે વિરોધ કર્યો છે અને સવાલ કર્યો છે કે આ કાર્યક્રમોની પાછળ કોણ આયોજકો છે?
ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત, અમદાવાદ અને રાજકોટમાં આવી રહ્યા છે અને આ ત્રણ શહેરમાં દિવ્ય દરબાર યોજાશે. સુરતમાં યોજાનારા કાર્યક્રમને લઈને બીજેપીનાં વિધાનસભ્ય સંગીતા પાટીલની ઑફિસમાં પોલીસ અધિકારીઓ સહિતના લોકોની બેઠક યોજાઈ હતી.
ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ આક્ષેપ કરતાં કહ્યું કે ‘આ મતની ખેતી થઈ રહી છે અને ચૂંટણી ૨૦૨૪ની છે. બાબાની દિવ્ય દૃષ્ટિ છે તો એ જણાવે કે ગુજરાતના યુવાનો કઈ રીતે નશામાં ધકેલાય છે?’
ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ શું કહે છે એનો મારે જવાબ નહીં આપવો જોઈએ, પણ ધર્મમાં આસ્થા રાખવી એ તો સારી વાત છે, કૉન્ગ્રેસનો રાસ થયો છે એનું કારણ એવું છે કે એ ક્યારેય ધર્મમાં આસ્થા રાખતી નથી.’