બંધ ચિઠ્ઠીનો પ્રશ્ન વાંચ્યા વિના ભક્તોના પ્રશ્નોનું નિરાકરણ કરતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામી ભારોભાર વિવાદ વચ્ચે પણ રાજકોટમાં પોતાનો એ કાર્યક્રમ ચાલુ રાખવાના છે

પુરુષોત્તમ પીપરિયા
રાજકોટ : બાગેશ્વર ધામથી જાણીતા થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામી અને તેમના દરબારનો ગુજરાત કાર્યક્રમ જેવો જાહેર થયો કે તરત રાજકોટ અને એ પછી સુરતમાં વિવાદ શરૂ થયો છે, પરંતુ એ વિવાદ વચ્ચે પણ બાબાએ પોતાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેમણે રાજકોટ, અમદાવાદ અને સુરતના કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે, તો સાથોસાથ બાગેશ્વર ધામ દ્વારા એ વાતની પણ ગઈ કાલે જાહેરાત કરવામાં આવી છે કે પોતાના પ્રવચન પછી બાબા ભાવિકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરશે.
બાબા દ્વારા ચિઠ્ઠી ઉપાડ્યા વિના જ બંધ ચિઠ્ઠીનો ભાવ જાણીને એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે છે એ જ વાતનો વિરોધ ભારતીય વિજ્ઞાન જાથા, રાજકોટની કો-ઑપરેટિવ બૅન્કના સીઈઓ તથા અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. કો-ઑપરેટિવ બૅન્કના સીઈઓ પુરુષોત્તમ પીપરિયાએ સોશ્યલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવતાં બે દિવસ તેમને
ગર્ભિત ધમકીના મેસેજ પણ આવવાના શરૂ થઈ ગયા હતા. જોકે તેમણે પણ પોતાના શબ્દો પાછા ખેંચી લીધા નહોતા અને બાગેશ્વર ધામે પણ પોતાનો કાર્યક્રમ યથાવત્ રાખ્યો છે.
કેવી રીતે કરે છે પ્રશ્નનું નિરાકરણ?
નાળિયેરને લાલ કપડામાં વીંટાળી એની સાથે મનમાં મૂંઝવતા વ્યક્તિગત સવાલની ચિઠ્ઠી મૂકવાની હોય છે. બાબા કોઈ પણ નાળિયેર ઉપાડી એ મૂંઝવણનું નિરાકરણ સૂચવતા હોય છે. બાગેશ્વર ધામમાં વિશ્વાસ ધરાવતા ભાવિકોનું કહેવું છે કે બાબા દ્વારા આપવામાં આવેલા નિરાકરણથી તેમની મૂંઝવણ હલ થાય છે.
રાજકોટના કાર્યક્રમ દરમ્યાન પણ આ પ્રકારે વ્યક્તિગત સવાલના જવાબ ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામી આપવાના છે.