ગુજરાતમાં શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂરાં થવાના પ્રસંગે મોદીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને કહ્યું કે સરકારનો વ્યવહાર એવો હોવો જોઈએ કે સામાન્ય માણસ તેની વાત કહી શકે
સ્વાગત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.
ગુજરાતમાં શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમને ગઈ કાલે ૨૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વાતચીત કરીને કહ્યું કે ‘સામાન્ય રીતે લોકો અનુભવના આધારે કહેતા હોય છે અને એવું બોલાય છે કે એક વાર ખુરસી મળી જાય છે પછી બધી વસ્તુ બદલાઈ જાય છે, લોકો પણ બદલાઈ જાય છે એવું સાંભળતો રહેતો, પરંતુ હું મનોમન નક્કી કરીને બેઠો હતો કે હું એવો જ રહીશ જેવો મને લોકોએ બનાવ્યો છે. તેમની વચ્ચે જ શીખ્યો છું, તેમની વચ્ચે મેં અનુભવ પ્રાપ્ત કર્યો છે. હું કોઈ પણ હાલતમાં ખુરસીની મજબૂરીનો ગુલામ નહીં બનું. હું જનતા જનાર્દન વચ્ચે રહીશ, જનતા જનાર્દન માટે રહીશ. સરકારનો વ્યવહાર એવો હોવો જોઈએ કે સામાન્ય માણસ તેની વાત કહી શકે.’ ગુજરાતમાં ૨૦૦૩ના વર્ષમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કાર્યરત હતા ત્યારે તેમણે લોકપ્રશ્નો–પ્રજાવર્ગોની રજૂઆતના ટેક્નૉલૉજીના ઉપયોગથી નિવારણ માટે શરૂ કરાવેલા સ્ટેટ વાઇડ અટેન્શન ઑન ગ્રીવન્સિસ બાય ઍપ્લિકેશન ઑફ ટેક્નૉલૉજી સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂરાં થતાં લાભાર્થીઓ સાથે વડા પ્રધાને વર્ચ્યુઅલી વાર્તાલાપ કર્યો હતો.


