હાલોલમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વર્ષો જૂની પરંપરા જાળવી રાખીને શક્તિની ભક્તિ સાથે કરી દેશભક્તિ
હાલોલમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા યોજાયેલા રાષ્ટ્રભક્તિના ગરબામાં તિરંગો હાથમાં લઈને ગરબે ઘૂમતી મહિલાઓ.
નવરાત્રિ એના અંતિમ ચરણમાં પહોંચી છે. આદ્યશક્તિનાં નવલાં નોરતાંની રમઝટ જામી છે અને ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજનાં સ્ત્રી-પુરુષો સોમવારે રાતે હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રભક્તિના ગરબે ઘૂમ્યાં હતાં. તેઓ માતાજીના ગરબાની સાથે-સાથે ભારત માતાના ગરબે ઘૂમ્યાં ત્યારે નવરાત્રિ પર્વના આધ્યાત્મિકતાના વાતાવરણમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
હાલોલમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વર્ષોથી પરંપરાગત ગરબા યોજે છે. એમાં હાલોલમાં રહેતાં સમાજનાં નર-નારી માતાજીના ગરબે ઘૂમીને માતાજીના ગુણલા ગાય છે. સમાજના સેક્રેટરી મહેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજની વાડીમાં ગરબા યોજાય છે. એમાં વર્ષોથી નવરાત્રિની એક રાતે અમે અચૂક દેશભક્તિના ગરબા યોજીએ છીએ. સોમવારે રાત્રે અમે રાષ્ટ્રભક્તિના ગરબા યોજ્યા હતા. એમાં હાથમાં તિરંગો લઈને લોકો ગરબે ઘૂમ્યા હતા. ગરબાના સર્કલમાં સૌથી આગળ એક દીકરી ભારત માતાની વેશભૂષામાં હોય છે અને તેની પાછળ મહિલાઓ હાથમાં તિરંગો લઈને ગરબે રમે છે. બીજી ખાસ વાત એ છે કે આ દિવસે ગરબામાં આવતા સમાજના લોકો તિરંગા થીમ પર સફેદ, લીલા અને કેસરી કલરનાં કપડાં પહેરીને આવે છે. રાષ્ટ્રભક્તિના ગરબામાં એક પછી એક દેશભક્તિનાં ગીતો વાગ્યાં હતાં અને બધાએ એના પર ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ સાથે ભારત માતાની ભક્તિ કરી હતી. નવરાત્રિ દરમ્યાન અમારે ત્યાં અસ્સલ ગરબા ગવાય છે. કોઈ ફિલ્મી ગીતો વગાડવામાં આવતાં નથી.’


