સોમનાથ મહાદેવ મંદિરમાં ફક્ત ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં પૂજાનો લહાવો લઈ સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે
સોમનાથ મહાદેવના શિવલિંગ પર બીલીપત્રપૂજાની ફાઇલ તસવીર.
શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ શિવરાત્રિમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે એવા સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને ઘેરબેઠાં બિલ્વપત્ર અર્પણ કરી શકાશે. ઑગસ્ટ મહિનાથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં બિલ્વપૂજાનો લહાવો લઈ શકાશે અને સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવતાં કહેવાયું છે કે ‘શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાં પાપ નાશ પામે છે ત્યારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વપૂજા ઘેરબેઠાં નોંધાવી શકાશે અને સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર પૂજારી દ્વારા બિલ્વાર્ચન કરવામાં આવશે. જે ભક્તજન બીલીપત્રપૂજન કરાવશે તેમના ઘરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વપૂજાનાં બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ૨.૫૦ લાખથી વધુ ભક્તોએ બિલ્વપત્રપૂજાનો લાભ લીધો હતો. જે શિવભક્તોને ઘેરબેઠાં ઑનલાઇન બિલ્વપૂજાનો લહાવો લેવો હોય તેઓએ સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઇટ https://somnath.org/BilvaPooja/ પર પૂજા બુક કરાવી શકે છે.