૩૬૫ કલાકારોએ લોકસંગીત, લોકનૃત્ય, ભાતીગળ રાસગરબા, કથક, કુચીપુડી, ભરત નાટ્યમ સહિત લોકસાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરી હતી
સંસ્કાર ભારતી સંસ્થા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાતોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ
સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં છે એ ધાર્મિક સ્થળ સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણની નિજધામ ગમનની તિથિને ભક્તિભાવ માહોલમાં ઊજવવામાં આવી હતી. સોમનાથમાં શ્રીરામ મંદિર ઑડિટોરિયમમાં સંસ્કાર ભારતી સંસ્થા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાતોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ૮ એપ્રિલની સાંજે સોમનાથના દરિયાકિનારે પ્રોમોનેડ વૉકવેથી રામમંદિર સુધી ઢોલશરણાઈના નાદ સાથે કલાકારોએ કળાયાત્રા યોજી હતી. ૩૬૫ કલાકારોએ લોકસંગીત, લોકનૃત્ય, ભાતીગળ રાસગરબા, કથક, કુચીપુડી, ભરત નાટ્યમ સહિત લોકસાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરી હતી. ફાગણ વદ અમાવસ્યાના સૂર્યાસ્તથી શરૂ થયેલો કાર્યક્રમ ચૈત્રી પ્રતિપદાના સૂર્યોદય સુધી એટલે કે ગઈ કાલે ચૈત્ર માસની એકમની સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો. વહેલી સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સૂર્યના પહેલા કિરણના વધામણા કરીને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.