અમદાવાદ, સુરત, ભાવનગર, અમરેલી, ભુજ, અંજાર, જેતપુર સહિતનાં નાનાં-મોટાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
કોરોનાના કપરા કાળનાં બે વર્ષના અંતરાલ બાદ ગુજરાતમાં આ વર્ષે હર્ષોલ્લાસથી નવરાત્રિ પર્વની ઉજવણી માટે સૌ આતુર થઈને બેઠા હતા ત્યારે ગઈ કાલે નોરતાંના પ્રથમ દિવસે જ અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળે વરસાદ પડતાં ખેલૈયાના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે રાત્રે વરસાદ નહીં પડતાં રંગેચંગે નવરાત્રિનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો અને સૌકોઈ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.
અમદાવાદમાં ગઈ કાલે બપોરે કાળાં ડીબાંગ વાદળો છવાઈ ગયાં હતાં. લોકો કંઈ સમજે-વિચારે એ પહેલાં તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ધોધમાર વરસાદી ઝાપટું પડતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદ ઉપરાંત સુરત, બારડોલી, ભાવનગર, ગીર સોમનાથ, ઉના, સુત્રાપાડા, અમરેલી, માળિયા હાટીના, જેતપુર, ધોરાજી, ભચાઉ, ભુજ, અંજાર સહિતના પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.