લોકાર્પણ કર્યાના ટૂંકા ગાળામાં ૨ લાખ ૮૦ હજાર લોકોએ ભુજના ભુજિયા ડુંગર પર બનેલા સ્મૃતિવનની લીધી મુલાકાત ઃ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોની સ્મૃતિમાં બનાવાયું છે સ્મૃતિવન

ભુજના ભુજિયા ડુંગર પર આવેલું સ્મૃતિવન
અમદાવાદ : કચ્છના ભુજમાં ભુજિયા ડુંગર પર ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં બનાવેલું સ્મૃતિવન સહેલાણીઓ માટે હૉટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. લોકાર્પણ કર્યાના ટૂંકા ગાળામાં જ અત્યાર સુધીમાં ૨ લાખ ૮૦ હજાર લોકોએ સ્મૃતિવનની મુલાકાત લીધી છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ની ૨૮ ઑગસ્ટે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ થયેલા ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોના માનમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ થયા બાદ દેશ-વિદેશમાંથી સ્મૃતિવનની મુલાકાતે પોણાત્રણ લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. ભુજના ભુજિયા ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારમાં સ્મૃતિવનનું નિર્માણ થયું છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે, જેમાં ૩ લાખ જેટલાં વૃક્ષો છે. આ ઉપરાંત અહીં ૫૦ ચેક-ડૅમ છે, જ્યાં દીવાલો પર શ્રદ્ધાંજલિ તરીકે ૧૨,૯૩૨ પીડિત નાગરિકોનાં નામની તકતી મૂકવામાં આવી છે. અહીં સન પૉઇન્ટ, આઠ કિલોમીટરનો લાંબો પાથવે તેમ જ મ્યુઝિયમ આવેલું છે. આ ઉપરાંત ૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર છે, જેમાં ૩૬૦ ડિગ્રી પર મુલાકાતીઓ ભૂકંપની અનુભૂતિ કરી રહ્યા છે. હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, વાવાઝોડાનું વિજ્ઞાન, ગુજરાતની કળા અને સંસ્કૃતિ સહિતની જાણકારી આપતાં આકર્ષણો છે, જે મુલાકાતીઓ માટે માહિતી પૂરી પડવા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ભુજની મુલાકાતે આવતા સહેલાણીઓ તેમ જ સ્થાનિકોમાં સ્મૃતિવન એક સંભારણું બની રહ્યું છે.
સ્મૃતિવન આવેલા મુલાકાતીઓ.
આ ઉપરાંત સ્મૃતિવન ખાતે યોગ ક્લાસ અને વર્કશૉપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટ ટુગેધર, સંગીતના કાર્યક્રમ અને ૨૧,૦૦૦ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્ર્મ યોજાય છે, જ્યાં મુલાકાતીઓ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.