Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં વધુ એક હડ​​પ્પિયન સાઇટ પરથી ૫૦૦૦ વર્ષ પહેલાંની અંતિમવિધિનાં સીક્રેટ્સ ખૂલ્યાં

ગુજરાતમાં વધુ એક હડ​​પ્પિયન સાઇટ પરથી ૫૦૦૦ વર્ષ પહેલાંની અંતિમવિધિનાં સીક્રેટ્સ ખૂલ્યાં

09 January, 2023 11:07 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કચ્છ જિલ્લામાં લખપતથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા જૂના ખાતિયા ગામમાં એક સાઇટ વધુ કુતૂહલ જગાવે છે, કેમ કે ધોળાવીરા જેવી અન્ય સાઇટ્સની વાત છે તો ટાઉનમાં અને એની આસપાસ સ્મશાનો છે, જોકે જૂના ખાટિયા પાસે કોઈ વસાહત જોવા મળી નથી

મૃતદેહોની સાથે વ્યક્તિગત કલાકૃતિઓ અને વાસણો દફનાવાતાં હતાં

મૃતદેહોની સાથે વ્યક્તિગત કલાકૃતિઓ અને વાસણો દફનાવાતાં હતાં


અમદાવાદ : ગુજરાતમાં હડ​પ્પિયન યુગનાં સૌથી વિશાળ સ્મશાનોમાં સામેલ એક સ્મશાનમાં ખોદકામથી એ જ જોવા મળ્યું છે કે જે દુનિયાભરમાં ખોદકામ દરમ્યાન વારંવાર જોવા મળતું રહ્યું છે. અહીં જોવા મળ્યું છે કે પ્રાચીન માનવીઓ મૃતદેહોની સાથે વ્યક્તિગત કલાકૃતિઓ, પવિત્ર પ્રાણીઓ, ભોજન અને પાણીને સ્ટોર કરવા માટેનાં વાસણો દફનાવતાં હતાં. કચ્છ જિલ્લામાં લખપતથી લગભગ ૩૦ કિલોમીટરના અંતરે આવેલા જૂના ખાતિયા ગામમાં ૨૦૧૯માં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને આર્કિયોલૉજિસ્ટ્સને અનેક કબરોમાંથી હાડપિંજરના અવશેષો, સિરામિકનાં વાસણો, પ્લેટો અને ફૂલદાની, મણકાનાં ઝવેરાત અને પ્રાણીઓનાં હાડકાં મળી આવ્યાં હતાં. જેનાથી તેમનો ઇન્ટરેસ્ટ વધ્યો હતો.

સમય જતાં ૫૦૦ કબરોની શક્યતા સાથે એ હડ​​પ્પિયન સંસ્કૃતિ દરમ્યાનના સૌથી વિશાળ દફન સ્થળ તરીકે ઊભરી આવ્યું હતું, જ્યાં અત્યાર સુધીમાં લગભગ ૧૨૫ કબરો મળી છે.એ કબરો ૩૨૦૦ ઈસવીસન પહેલાંથી ૨૬૦૦ ઈસવીસન પહેલાં સુધીની છે. જે આ રાજ્યમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા અને અન્ય અનેક હડ​​પ્પિયન સાઇટ્સ કરતાં પણ પહેલાંની છે. કેરલા યુનિવર્સિટીના આર્કિયોલૉજીના અસિસ્ટન્ટ પ્રોફેસર અને એક્સ્ક્વેશન ડિરેક્ટર રાજેશ એસવીએ જણાવ્યું હતું કે આ સાઇટ મહત્ત્વની છે, કેમ કે ધોળાવીરા જેવી અન્ય સાઇટ્સની વાત છે તો ટાઉનમાં અને એની આસપાસ સ્મશાનો છે. જોકે જૂના ખાટિયાની પાસે કોઈ મોટી વસાહત જોવા મળી નથી.


આ સાઇટ માટીના ટેકરા જેવી કબરોથી પથ્થરમાંથી બનેલી કબરોનું પરિવર્તન દર્શાવે છે. આ સાઇટમાં માટીકામની વિશેષતાઓ અને શૈલી સિંધ અને બલૂચિસ્તાનમાં પ્રારંભિક હડપ્પન સ્થળોએ ખોદકામ દરમ્યાન મળી આવેલી વસ્તુઓની શૈલી જેવી જ છે.

આ લંબચોરસ કબરો શેલ અને રેતીના પથ્થરોની બનેલી હતી. માટીના બાઉલ સિવાય ટેરાકોટાની બંગળીઓ અને માળા, કોચલા અને લાપિસ લાજુલી સ્ટોન જેવી વસ્તુઓ પણ મૃતદેહની સાથે જોડાયેલી હતી.


મોટા ભાગની કબરોમાં પાંચથી છ વાસણો હતાં. જોકે, એકમાં ૬૨ ઘડા મળ્યા હતા. આર્કિયોલૉજિસ્ટ્સને અત્યાર સુધીમાં આ સાઇટ પરથી કોઈ મેટલ કલાકૃતિ મળી નથી.

કેટલીક કબરોમાં બેસાલ્ટના પથ્થરોનું કવરિંગ છે. સ્થાનિક ખડક, બેસાલ્ટ, માટી, રેતી વગેરે જેવી સામગ્રીનો બાંધકામ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ બધી સામગ્રીને એકબીજા સાથે જોડાયેલી રાખવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમયના ઉતાર-ચઢાવની અસર પાંચ હજાર વર્ષ પહેલાં દફનાવવામાં આવેલી કબરો પર પડી છે. માટીનું ધોવાણ, ખેતી માટે જમીન ખેડવા ઉપરાંત પ્રાચીન ખજાનાની શોધમાં કબરો ખોદવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. આર્કિયોલૉજિસ્ટની આ ટીમની પાસે માત્ર એક જ સંપૂર્ણપણે અકબંધ હાડપિંજર છે, જ્યારે અનેક કબરોમાં તો કોઈ માનવ અવશેષો જ મળ્યા નથી.

આ રિસર્ચ ટીમમાં કેરલા યુનિવર્સિટીના અભ્યન જીએસ, સ્પેનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ આર્કિયોલૉજીના ફ્રાન્સિસ એસ કોનેસા, સ્પેનિશ નૅશનલ રિસર્ચ કાઉન્સિલના જુઆન જોસ ગ્રેસિયા-ગ્રેનેરા અને કેએસકેવી કચ્ચ યુનિવર્સિટીના સુભાષ ભંડારીનો સમાવેશ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2023 11:07 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK