મંદિરમાં દર્શન ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સહિતનાં થશે સદ્કાર્યો: નવરાત્રિમાં થશે ભૂમિપૂજન : ૪૨ વીઘા જેટલી જમીન કરી ફાઇનલ
ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ સહિતના આગેવાનોએ અંત્રોલીમાં બનનારા ખોડલધામ વિશે માહિતી આપી હતી.
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે ખોડલધામ મંદિર સંકુલ બનશે જેનું નવરાત્રિમાં ભૂમિપૂજન થશે. અંત્રોલી ખાતે અંદાજે ૪૨ વીઘા જમીન પર ખોડલધામ સંકુલ બનશે. ખોડલધામ ટ્રસ્ટના આગેવાનોએ મંગળવારે અંત્રોલી ગામે મુલાકાત કરીને ખોડલધામ સંકુલ માટે જમીન ફાઇનલ કરી હતી.
ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચૅરમૅન નરેશ પટેલે આ જાહેરાત કરીને કહ્યું હતું કે ‘અંત્રોલી ગામે ખોડલધામ માટે ટ્રસ્ટ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી છે. ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જમીન ખરીદવામાં આવી છે. આગામી દિવસોમાં આ જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલ બનશે. દક્ષિણ ઝોનના ખોડલધામ મંદિર સંકુલમાં ખોડલ માતાજીના ભવ્ય મંદિરની સાથે સમાજ-ઉપયોગી અન્ય વિવિધ પ્રકલ્પો પણ સાકાર થશે. આ નવા સંકુલના નિર્માણથી દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા, સંગઠન અને સમાજ-ઉત્કર્ષનું એક નવું કેન્દ્ર ઊભું થશે. સંકુલમાં આવનારા સમયમાં મંદિર બનશે. આ ઉપરાંત આ સંકુલમાં શિક્ષણ અને આરોગ્ય જેવાં કાર્યો પણ થશે. દરેક સમાજના લોકોને અહીં આરોગ્ય અને શિક્ષણસેવાનો લાભ મળશે.’
