જૂનાગઢ જિલ્લાના ભેસાણની ચોંકાવનારી ઘટના
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી ચોંકાવનારી ઘટના બહાર આવી છે જેમાં હૉસ્ટેલમાં રહેતા ૨૦ જેટલા સગીર વિદ્યાર્થીઓ સાથે ખુદ સ્કૂલના આચાર્ય અને હૉસ્ટેલના ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં વિવાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ ડિસ્ટ્રિકટ એજ્યુકેશન ઑફિસર (DEO)એ ગઈ કાલે કરેલી તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે અને આ કેસમાં ભેસાણ પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ સહિતની કલમો સાથે આચાર્ય કેવલ લાખોતરા અને ગૃહપતિ હિરેન જોશી સામે ગુનો નોંધીને બન્નેને રાઉન્ડ-અપ કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાનાં ઇન્ચાર્જ DEO લતા ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભેસાણમાં આવેલી ન્યુ આલ્ફા સ્કૂલમાં અભ્યાસ કરતા અને હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્ય કેવલ લાખોતરા કે જેઓ હૉસ્ટેલમાં રહેતા હતા તે અને હૉસ્ટેલના ગૃહપતિ હિરેન જોશીએ બાળકો સાથે ન કરવાનું કૃત્ય કર્યું હતું. અમે ગઈ કાલે લગભગ ૧૫ જેટલા વિદ્યાર્થીઓને મળ્યા હતા અને પ્રાથમિક રીતે વાત થઈ એમાં બે વિદ્યાર્થીઓએ આ વાતને સમર્થન આપ્યું હતું. એવી પણ માહિતી મળી હતી કે આવી હરકત છેલ્લા છ મહિનાથી ચાલતી હતી.’

