ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જૂનાગઢ ગ્રામ્યની ૪૧ સ્કૂલોના ૧૦૦૦થી વધુ આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મતદાન માટે જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી છે
જૂનાગઢ ગ્રામ્યની એક સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.
ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જૂનાગઢ ગ્રામ્યની ૪૧ સ્કૂલોના ૧૦૦૦થી વધુ આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મતદાન માટે જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી છે તો બીજી તરફ વિસાવદર પેટાચૂંટણીમાં તમામ ૨૧૭૮ દિવ્યાંગ મતદારો મતદાન કરે એ માટે જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ૧૯ જૂને મતદાન યોજાશે.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં દિવ્યાંગ મતદારોની સહભાગિતા વધારવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે દિવ્યાંગ મતદારોની સુગમતા માટે ખાસ વ્હીલચૅર અને સ્વયંસેવકની સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. મતદાનનાં તમામ બૂથોનો સર્વે કરવામાં આવ્યો છે અને એમાં જણાઈ આવ્યું છે કે ૪૨ બૂથમાં વ્હીલચૅરની જરૂરિયાત છે જે પૂરી કરવામાં આવશે. સમાજ સુરક્ષા કચેરીમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે જ્યાં દિવ્યાંગો માટે કાર્યરત કરાયેલી સક્ષમ ઍપ તેમ જ દિવ્યાંગ મતદારો માટેની સુવિધાથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતા ત્રણ તાલુકા વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢમાં ૩-૩ સભ્યોની ટીમ બનાવીને મતદાન જાગૃતિ માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

