ડૅમમાંથી પાણી છોડાતાં વડોદરા અને ભરૂચ જિલ્લાઓના કાંઠાનાં ગામોને અલર્ટ કરાયાં હતાં
કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર ડૅમના દરવાજા ખોલાતાં નર્મદા નદીમાંથી પાણી છોડાયું હતું
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ચોમાસાની આ સીઝનમાં ગઈ કાલે પહેલી વાર નર્મદા નદી પરના કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર ડૅમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સાંજે પાંચ વાગ્યે ડૅમ પર પાણીની સપાટી ૧૩૭.૩૨ મીટરે પહોંચી હતી. ડૅમમાંથી પાણી છોડાતાં વડોદરા અને ભરૂચ જિલ્લાઓના કાંઠાનાં ગામોને અલર્ટ કરાયાં હતાં.
મધ્ય પ્રદેશમાં પડેલા વરસાદના કારણે ઇન્દિરા સાગર ડૅમમાંથી પાણી છોડાતાં ગુજરાતમાં નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમની સપાટી ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ૧૩૭.૩૨ મીટરે પહોંચી હતી. ડૅમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડૅમમાં પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યુસેક હતી. ડૅમમાં પાણીની સપાટી સતત વધતી રહેતાં ડૅમના ૨૩ દરવાજા ૫.૬૦ મીટર સુધી ખોલી તેમ જ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૯,૪૫,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. ડૅમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા નર્મદા નિગમ દ્વારા સાવચેતીનાં પગલાં લેવાયાં હતાં.
ADVERTISEMENT
નર્મદા નદીમાં પાણી છોડાતાં વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠાનાં ગામોને અલર્ટ કરાયાં છે. વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠે આવેલા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાનાં ૨૫ ગામડાંઓને સાવધ કરાયાં હતાં.
તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશા બેરેજમાંથી ૧૦ દરવાજા સંપૂર્ણ ખોલીને ૧,૫૯,૬૮૪ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવેલું હોવાથી તાપી નદીનું જળસ્તર ખૂબ વધવાની સંભાવના વ્યક્ત કરીને સત્તાવાળાઓએ તમામ નદીકિનારાનાં ગામોમાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત આશ્રયસ્થાને સ્થળાંતર કરવા તથા કોઈ પણ વ્યક્તિ નદીકિનારે ન જાય તેમ જ તાપી નદીમાં અથવા કિનારે માછીમારી કે અન્ય કોઈ પણ કારણસર લોકોને નહીં જવા તાપી જિલ્લા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે.

