દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખાનો થશે સમાવેશ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતે પશ્ચિમ દરિયાકિનારા પર સંભવિત ક્રૂઝ-સર્કિટ માટે પ્રસ્તાવ મૂક્યો છે. કોસ્ટલ ટૂરિઝમને વેગ આપવા માટે પ્રસ્તાવિત ક્રૂઝ-સર્કિટમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પૉલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મૅરિટાઇમ બોર્ડ દ્વારા ૬ મેએ યોજાયેલી એક દિવસની વર્કશૉપમાં ગુજરાતે એના પશ્ચિમ દરિયાકિનારા પર વિવિધ સંભવિત ક્રૂઝ-સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો હતો. એમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવાં મુખ્ય સ્થળો તેમ જ કાર્યરત ઘોઘા–હજીરા રોરો સર્વિસનો પણ સમાવેશ થાય છે. પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પડાલા ટાપુ–કચ્છનું રણ, પોરબંદર–વેરાવળ–દીવ અને દ્વારકા-ઓખા–જામનગરનો સમાવેશ થાય છે. દરેક ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો એ ક્લસ્ટરના ૧૦૦ કિલોમીટરની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જેથી ક્રૂઝના મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પ મળી રહે. તાજેતરમાં યોજાયેલી આ વર્કશૉપના માધ્યમથી ગુજરાત માટે એક વ્યાપક અને કાર્યક્ષમ ક્રૂઝ ટૂરિઝમ નીતિ ઘડાય એવી અપેક્ષા છે.

