Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં બૅગલેસ ડેનો કરાશે અમલ

ગુજરાતમાં બૅગલેસ ડેનો કરાશે અમલ

Published : 29 December, 2022 11:02 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

૬થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા પ્રી-વોકેશનલ વિદ્યાર્થીઓ માટે થશે અમલ, વિદ્યાર્થીઓને બૅન્ક, ઉદ્યોગ, યુનિવર્સિટી, આઇટીઆઇ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે અને સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


અમદાવાદ :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલી બનાવ્યા બાદ એનું અમલીકરણ ગુજરાતમાં પણ કરવામાં આવશે અને એના ભાગરૂપે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈ હેઠળ આવતા પ્રી-વોકેશનલ વિદ્યાર્થીઓ કે જેઓ ૬થી ૮ ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ૧૦ બૅગલેસ-ડેની જોગવાઈનો અમલ કરવાનો નિર્ણય ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘જાન્યુઆરી ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની ૪૯૧ ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં ૧૦ બૅગલેસ-ડેનો અમલ શરૂ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી ૨૦૨૩ના અંત સુધીમાં ૧૦૦૯ ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં ૧૦ બૅગલેસ-ડેનું અમલીકરણ કરાવવામાં આવશે, જેના માટે સ્કૂલ દીઠ ૧૫,૦૦૦ રૂપિયા એમ કુલ બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.



શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક સ્કૂલમાં વિતાવે છે એને જોતાં વર્ષ દરમ્યાન આ કાર્યક્રમની પ્રવૃત્તિઓ માટે સ્કૂલના સમયના ૧૦ દિવસ અથવા તો ૬૦ કલાક ફાળવવામાં આવશે, જેમાં સત્રના પ્રથમ ભાગમાં પાંચ દિવસ અને સત્રના બીજા ભાગમાં પાંચ દિવસ એમ ૧૦ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.’


તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘આનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે, જેમાં વિદ્યાર્થીઓને બૅન્ક, ઉદ્યોગ, યુનિવર્સિટી, આઇટીઆઇ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે અને સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન, સમજણને કૌશલ્ય સાથે જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ, જ્ઞાનવિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત સ્થાનિક ઔદ્યોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જ્વળ બનશે.

આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જોકે વિદ્યાર્થીઓને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને એનો આંતરિકે રેકૉર્ડ પણ રાખી શકે છે.’


ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આ સિવાય પણ આગામી સમયમાં નવા પ્રયોગો કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અસરકારક અમલ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2022 11:02 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK