Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની ૧૬ બેઠકો તેમ જ વાઘોડિયા, પાદરા બેઠક પર સૌની ખાસ નજર

અમદાવાદની ૧૬ બેઠકો તેમ જ વાઘોડિયા, પાદરા બેઠક પર સૌની ખાસ નજર

05 December, 2022 08:09 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આજે ગુજરાતમાં ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન, ૮૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર મતદારોની દૃષ્ટિએ સૌથી મોટો

ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલાં વાહનોનું નિરીક્ષણ કરી શકાય એ માટે બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જીપીએસ ટ્રૅકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઊભો કરાયો છે. આ રૂમમાંથી મૉનિટરિંગ કરાશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના અધિકારીઓએ ગઈ કાલે કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

Gujarat Election

ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલાં વાહનોનું નિરીક્ષણ કરી શકાય એ માટે બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જીપીએસ ટ્રૅકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઊભો કરાયો છે. આ રૂમમાંથી મૉનિટરિંગ કરાશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના અધિકારીઓએ ગઈ કાલે કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.


આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે ત્યારે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સૌથી વધુ ૪,૨૮,૫૪૨ મતદારો કોઈ પણ ઉમેદવારને મોટી લીડ અપાવી શકે છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર મતદારોની દૃષ્ટિએ સૌથી મોટો છે. અહીં ૪,૨૮,૫૪૨ મતદારો છે, જ્યારે મતદારોની દૃષ્ટિએ સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર બાપુનગર છે, જેમાં ૨,૦૭,૪૬૧ મતદારો છે. ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ રહેલું છે. પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠકે ગુજરાતને આનંદીબહેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલના રૂપમાં બે મુખ્ય પ્રધાનો આપ્યાં છે. આનંદીબહેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલે આ બેઠક પરથી સૌથી વધુ માર્જિન સાથે જીત મેળવી હતી. ગઈ ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટલે એક લાખ કરતાં વધુ મતોની સરસાઈથી આ બેઠક પર સૌથી વધુ લીડ સાથે વિજય હાંસલ કર્યો હતો. આ વખતે ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના મતદારો કોના તરફ વોટિંગ કરે છે અને કયા ઉમેદવારને મોટા માર્જિનથી વિજય અપાવે છે એ પરિણામ વખતે જાણવા મળશે.



આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની ૯૩ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આજના મતદાનમાં અમદાવાદની ૧૬ બેઠકો પર તેમ જ વડોદરા શહેર તેમ જ ખાસ કરીને વડોદરા જિલ્લામાં વાઘોડિયા, પાદરા બેઠક પર રાજકીય પક્ષોની નજર રહેશે. વાઘોડિયા અને પાદરા બેઠક બળવાખોરોના કારણે જ્યારે અમદાવાદની બેઠકો પર રોમાંચક ​િત્રપાંખિયા જંગના કારણે એના પર સૌની ખાસ નજર છે.


ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૭૪૬ પુરુષ ઉમેદવાર અને ૬૯ મહિલા ઉમેદવારો સહિત કુલ ૮૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. બીજા તબક્કાની ચૂંટણીમાં અમદાવાદની બાપુનગર બેઠક પર સૌથી વધુ ૨૯ ઉમેદવારો છે તો સાબરકાંઠાની ઇડર બેઠક પર માત્રત્રણ જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ૨૬,૪૦૯ મતદાન મથકોમાંથી ૮૫૩૩ શહેરી વિસ્તારમાં અને ૧૭,૮૭૬ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન છે. વિશિષ્ટ મતદાન મથકો પણ ઊભાં કરાયાં છે જેમાં ૯૩ મૉડલ મતદાન મથકો, ૯૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, ૯૩ ઈકો-ફ્રેન્ડ્લી મતદાન મથકો, ૬૫૧ સખી મતદાન મથકો અને ૧૪ યુવા સંચાલિત મતદાન મથકો હશે. અમદાવાદની બાપુનગર બેઠક ૨૯ ઉમેદવારો, નરોડા અને અમરાઈવાડી બેઠક પર ૧૭–૧૭ ઉમેદવારો તેમ જ પાટણની બેઠક પર ૧૬ ઉમેદવારો ઊભા હોવાથી આ તમામ બેઠક પરનાં મતદાન મથકોમાં બે-બે બૅલટ યુનિટનો ઉપયોગ થશે.


વડોદરાની રાવપુરા બેઠક પર સખી મતદાન મથક ઊભું કરાયું છે

આ નેતાઓનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થશે

ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા, બીજેપી), હૃષીકેશ પટેલ (વિસનગર, બીજેપી), અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ, બીજેપી), કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બીજેપી), યોગેશ પટેલ (માંજલપુર, બીજેપી), કેયૂર રોકડિયા (સયાજીગંજ, બીજેપી), શંકર ચૌધરી (થરાદ, બીજેપી), હાર્દિક પટેલ (વિરમગામ, બીજેપી), અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ, બીજેપી), રમણલાલ વોરા (ઈડર, બીજેપી), બાબુ જમના પટેલ (દસ્ક્રોઈ, બીજેપી), ભૂષણ ભટ્ટ (જમાલપુર ખાડિયા, બીજેપી), અ​શ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા, બીજેપી), જિજ્ઞેશ મેવાણી (વડગામ, કૉન્ગ્રેસ), ડો.સી.જે.ચાવડા (વિજાપુર, કૉન્ગ્રેસ), ડૉ. તુષાર ચૌધરી (ખેડબ્રહ્મા, કૉન્ગ્રેસ), મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ, કૉન્ગ્રેસ), ડૉ. અમી યા​િજ્ઞક (ઘાટલોડિયા, કૉન્ગ્રેસ), ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર, કૉન્ગ્રેસ), અમિત ચાવડા (આંકલાવ, કૉન્ગ્રેસ), ચંદ્રિકા બારિયા (ગરબાડા, કૉન્ગ્રેસ), સુખરામ રાઠવા (જેતપુર, કૉન્ગ્રેસ), પ્રભાતસિંહ ચૌહાણ (કાલોલ, કૉન્ગ્રેસ), જયંત પટેલ–બોસ્કી (ઉમરેઠ, એન.સી.પી.), મધુ શ્રીવાસ્તવ (વાઘોડિયા, અપક્ષ), દિનુ પટેલ (પાદરા, અપક્ષ) અને માવજી દેસાઈ (ધાનેરા, અપક્ષ). 

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 08:09 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK