અમદાવાદમાં ૨૯ ઉમેદવાર બાપુનગર બેઠક પર, વિરમગામમાં હાર્દિક પટેલ વર્સસ હાર્દિક પટેલ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે બે મહિલા સહિત આઠ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. એટલું જ નહીં, અમદાવાદમાં બાપુનગરની બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય એમ અધધધ ૨૯ ઉમેદવારે ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે, તો પાટીદાર અનામત આંદોલનથી યુવા નેતા તરીકે ઊભરી આવેલા અને બીજેપીના ઉમેદવાર હાર્દિક પટેલ સામે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણીમાં ઊભા છે.
ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાના દિવસ બાદ અમદાવાદ શહેર અને જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠક માટે કુલ ૨૪૯ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર કુલ નવ ઉમેદવાર છે, જેમાં બીજેપીવતી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી નોંધાવી છે. તેમની સામે બે મહિલાઓ, કૉન્ગ્રેસનાં અમીબહેન યાજ્ઞિક અને જનસેવા ડ્રાઇવર પાર્ટીનાં સંજુબહેન રેગરે પણ ઉમેદવારી નોંધાવી છે.
ADVERTISEMENT
વિરમગામ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર હાર્દિક પટેલ છે તો અન્ય એક હાર્દિક પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૨૧ બેઠક માટે ૨૪૯ ઉમેદવાર પૈકી સૌથી વધુ ૨૯ ઉમેદવારે અમદાવાદની બાપુનગર બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, જેમાં ૧૬ અપક્ષ ઉમેદવાર છે. સૌથી ઓછા પાંચ ઉમેદવાર નારણપુરા બેઠક પર ઊભા છે. આ ઉપરાંત નરોડા અને અમરાઈવાડી બેઠક પરથી ૧૭–૧૭ ઉમેદવાર, વેજલપુર બેઠક પરથી ૧૫ ઉમેદવાર અને વટવા બેઠક પરથી ૧૪ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે.
અવનવી પાર્ટીઓએ ઉમેદવાર ઊભા રાખ્યા
અમદાવાદમાં અચરજ પમાડે એવી અવનવી પાર્ટીઓએ અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકો પરથી તેમના ઉમેદવારો ઊભા રાખ્યા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પછી ન પણ જાણતા હોય એવી પાર્ટીઓનાં નામ છે; આદી ભારત પાર્ટી, ગુંજ સત્યની જનતા પાર્ટી, જનસેવા ડ્રાઇવર પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, ભારતીય યુવા જન એકતા પાર્ટી, જન સંઘર્ષ વિરાટ પાર્ટી, નૅશનલ મહાસભા પાર્ટી, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી, જન મન પાર્ટી, લોગ પાર્ટી, ભારતીય જન પરિષદ, રાષ્ટ્ર મંગલ મિશન પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ભારતીય નાગરિક સુરક્ષા પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, રાષ્ટ્ર નિર્માણ પાર્ટી, અપની જનતા પાર્ટી, વિકાસ ઇન્ડિયા પાર્ટી, ધનવાન ભારત પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી, ઑલ ઇન્ડિયા હિન્દુસ્તાન કૉન્ગ્રેસ પાર્ટી, સૈનિક સમાજ પાર્ટી સહિતની ઓછી જાણીતી પાર્ટીઓએ તેમના ઉમેદવારને અમદાવાદની વિવિધ વિધાનસભા બેઠકો પરથી ચૂંટણીમાં ઊભા રાખ્યા છે.

