° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


પહેલા તબક્કાએ સત્તા અને સરકાર નક્કી કરી નાખી?

05 December, 2022 08:16 AM IST | Ahmedabad
Vishnu Pandya

પરિણામ ભલેને આઠમીએ આવ્યું હશે, પણ એ પહેલાં જ કોણ જીતશે, કોણ હારશે એની ગણતરી સટ્ટાબજારથી સત્તાકારણીઓ સુધી થવા માંડી છે

મતદારો, અમે તૈયાર છીએ અને તમે? : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કા પહેલાં ગઈ કાલે અમદાવાદમાં એક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાંથી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન) અને અન્ય ઇલેક્શન ઇક્વિપમેન્ટ્સ મેળવ્યા બાદ પોતપોતાનાં મતદાનમથકોએ જઈ રહેલા ચૂંટણી અધિકારીઓ.  (તસવીર : પી.ટી.આઇ.) Gujarat Election

મતદારો, અમે તૈયાર છીએ અને તમે? : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કા પહેલાં ગઈ કાલે અમદાવાદમાં એક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાંથી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન) અને અન્ય ઇલેક્શન ઇક્વિપમેન્ટ્સ મેળવ્યા બાદ પોતપોતાનાં મતદાનમથકોએ જઈ રહેલા ચૂંટણી અધિકારીઓ. (તસવીર : પી.ટી.આઇ.)

મતદાનનો પૂર્વાર્ધ એટલે કે પહેલો તબક્કો ડિસેમ્બરની પહેલી તારીખે પૂરો થયો અને બીજો, એક દિવસ બાદ પાંચમીએ ઉત્તરાર્ધ ગણાશે. પરિણામ ભલેને આઠમીએ આવ્યું હશે, પણ એ પહેલાં જ કોણ જીતશે, કોણ હારશે એની ગણતરી સટ્ટાબજારથી સત્તાકારણીઓ સુધી થવા માંડી છે. મીડિયામાં પ્રી-પોલ આવ્યા અને બીજા હજી આવશે. આઠમીએ પરિણામ પહેલાં તો દુનિયાને ખબર પડી જશે કે ગુજરાતમાં કોના પર મતદારે કળશ ઢોળ્યો છે!

હા, એ પણ સાચું કે કળશ ઢોળનારાની ટકાવારી પહેલા તબક્કામાં ૬૦ ટકાની છે. બાકીના ૪૦ ટકાએ મતદાન કેમ ન કર્યું એના જવાબ હાજર છે, પણ એમાંયે અભિપ્રાય ભેદ તો છે જ. એક મોટો વર્ગ માને છે કે કૉન્ગ્રેસે પોતાના મત માટે ય પ્રયાસ કર્યો નહીં! બીજો વર્ગ એવું માને છે કે ‘આપ’ના રાજકીય રીતે બિનઅનુભવી ઉમેદવારો માટે મતદાર ઉદાસ હતો તે મતપેટી સુધી પહોંચ્યો જ નહીં. ત્રીજો વર્ગ એમ માને છે કે જંગી મતદાન માટે તત્પર બીજેપીના કાર્યકરો ઊણા ઊતર્યા છે. સભાઓમાં વી.આઇ.પી. નેતાઓને લાવ્યા, તેમની વ્યવસ્થા અને સભાઓના આયોજનમાં કાર્યકરો એટલા વ્યસ્ત રહ્યા કે મતદાર સુધીના પ્રચારમાં અવરોધ આવ્યો. એક વર્ગ એવો પણ છે જે પક્ષમાં આપસી ખેંચતાણ અને પક્ષપલટાને લીધે ઉદાસીનતા વધ્યાનું કહે છે.

એક નવો અભિપ્રાય પણ નોંધવા જેવો છે એ પાટીદારો વિશેનો છે. ૨૦૧૭માં પાટીદારો લગભગ એક હતા, આ વખતે વહેંચાઈ ગયા છે. કદાચ, તેમના નેતાઓ પરનો​ વિશ્વાસ ઘટ્યો છે એટલે પાટીદારોનું મતદાન ઓછું થયું. એવું પણ બને કે પટેલ ઉમેદવારો તેમના પટેલ-મતો ન મળે તો હારી જાય.

આદિવાસી વિસ્તારોમાં મહિલાઓનું  અને સરવાળે સમગ્રપણે મતદાન વધુ થયું. સૌરાષ્ટ્રમાં મધ્યમ વર્ગ ઓછો ઉત્સાહી રહ્યો હોય એમ લાગ્યું. શું પક્ષોના કાર્યકર ઢીલા પડ્યા કે અગાઉની જેમ કામ કરવાનો ઉત્સાહ નહોતો? શું ઉમેદવારોની પસંદગી પણ કારણરૂપ બની હતી?

આ તો કેટલાંક તારણો છે. પાંચમીના મતદાનની ટકાવારી પણ મહત્ત્વની બની રહેશે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે ૭૦થી ૮૦ ટકા જેટલું મતદાન થશે. બીજો તબક્કો મતદાન વધારીને એવી પરિસ્થિતિ ઊભી કરી શકે.

પહેલા તબક્કામાં જે વાણીવિલાસ થયો એ મત મેળવવાની અને મત ન મેળવી શકવાની અકળામણ બતાવતો હતો. કૉન્ગ્રેસ પ્રમુખ ખડગેનું રાવણ-વિધાન સાવ પ્રલાપ નહોતો, એની પાછળની ભૂમિકા સામાજિક પણ છે. ખડગેએ દલિતવાદની ટેકણલાકડી લઈને કૉન્ગ્રેસ તરફી મતદાન માટે આવું વિધાન કર્યું, રાવણને પસંદ કર્યો, પણ ‘૧૦ માથાં’ને ભૂલીને ૧૦૦ માથાં ગણાવ્યાં! અગાઉ તેમણે એવું પણ કહ્યું હતું કે જો બીજેપી જીતશે તો દેશમાં ‘સનાતન ધર્મ’ ફેલાશે! અને એ દેશ માટે સારા દિવસો નહીં હોય. કૉન્ગ્રેસને પોતાના ‘સેક્યુલરિઝમ’ની નિષ્ફળતાનો વસવસો છે એટલે હવે કાચું-પાકું સેક્યુલર ચલાવે છે. રાહુલ ગાંધી કપાળે તિલક લગાવીને, મહાકાલની પૂજા કરે એ કેવો રસપ્રદ અહેવાલ કહેવાય! બીજી બાજુ, ભારતયાત્રા દરમ્યાન એક એવા મિશનરીને ઘરે જઈને મળે જેના પર અગાઉ કેસ થઈ ચૂક્યા છે અને હિન્દુ ધર્મ વિશે અનાપસનાપ બોલે છે.

ગુજરાતમાં આવું તિકડમ ચાલે એમ નથી, કેમ કે પ્રજા મૂળભૂત રીતે ધાર્મિક આસ્થા ધરાવે છે. રાહુલ આવીને ગયા ને બ્લૅક સ્લેટ પર અક્ષરો લખાયા અને ભુસાયા એવી મુલાકાત રહી.
‘આપ’ના પ્રદેશપ્રમુખ સુરતમાંથી ચૂંટણી લડે છે, ત્યાં મતદાન થઈ ગયું. હવે ‘આપ’ના ભાવિ મુખ્ય પ્રધાન ઇસુદાન ગઢવીની ખંભાળિયા બેઠક આવતી કાલના મતદાનમાં આવશે. એ જ રીતે એક વર્ષ મુખ્ય પ્રધાન રહેલા અને અમિત શાહની જાહેર સભાનાં વચન સાંભળીને મુસ્કુરાયેલા ભૂપેન્દ્ર પટેલ પણ ભાવિ મુખ્ય પ્રધાન છે, તેમને માટે વડા પ્રધાનના ‘નરેન્દ્ર–ભૂપેન્દ્ર’ વિધાનને સમજવું પડશે!
એકંદરે બીજેપી જીતી જાય એવી ધારણા પ્રી-પોલ સર્વેએ કરી છે. તો સત્તાધીશ વત્તા પાંચ એમ ૩૨ વર્ષ સળંગ રાજ્યસત્તા ભોગવવાનો આ રેકૉર્ડ પશ્ચિમ બંગાળના ડાબેરી મોરચાને આંટી જશે.

(લેખક પંચાવન વર્ષથી પત્રકારત્વમાં છે અને તેમણે ૧૩૦થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનો સંપર્ક feedback@mid-day.com પર કરી શકાય.)

05 December, 2022 08:16 AM IST | Ahmedabad | Vishnu Pandya

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠક જીતીને હૅટ-ટ્રિક કરવાનું બીજેપીનું લક્ષ્ય

વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય એ રીતે લોકસભાની ચૂંટણી જીતવાનો ટાર્ગેટ રખાયો સુરેન્દ્રનગરમાં બીજેપીની કાwરોબારીમાં

25 January, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ઈસુદાન ગઢવીને બનાવ્યા આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ

આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો

05 January, 2023 11:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

હાશકારા સાથે હૉસ્પિટલમાંથી નીકળ્યા નરેન્દ્ર મોદી

હૉસ્પિટલના નિયામક અને સારવાર કરી રહેલા ૬ ડૉક્ટરોની ટીમ સાથે વાતચીત કરીને માતાની તબિયતની જાણકારી મેળવી, હીરાબાની તબિયત સુધારા પર હોવાની ડૉક્ટરોએ આપી જાણકારી

29 December, 2022 09:38 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK